હનીપ્રીતનો ધડાકોઃ ગુરમીત રામ રહીમ વિદેશ ભાગી જવાની પેરવીમાં હતો

પંચકુલા: ડેરા સચ્ચા સૌદાના મુખ્ય સૂત્રધાર ગુરમીત રામ રહીમની ખાસ અને કહેવાતી પુત્રી હનીપ્રીત ઇન્સાના પોલીસ રિમાન્ડ આજે પૂરા થઇ રહ્યા છે અને પોલીસ આજે તેને પંચકુલા કોર્ટમાં રજૂ કરશે.

અહેવાલો અનુસાર હનીપ્રીતે પોતાની પૂછપરછમાં દસ જેટલા ગુના કબૂલી લીધા છે એટલું જ નહીં, હનીપ્રીતે એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ગુરમીત રામ રહીમ વિદેશ ભાગી જવાની પેરવીમાં હતો. દરમિયાન કેટલાંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે રપ ઓગસ્ટના રોજ પંચકુલામાં હિંસા અને આગજનીના કાવતરાને અંજામ સુધી પહોંચાડવાના પ્લાનિંગમાં ઉપયોગમાં લેવાયેલ હનીપ્રીતની ડાયરી, લેપટોપ અને મોબાઇલ ફોન પોલીસે સિરસા સ્થિત ડેરા સચ્ચાના હેડકવાર્ટરમાંથી જપ્ત કરી લીધાં છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસાના દિવસે સા‌િજશને અંજામ સુધી પહોંચાડવા માટે તમામ રસ્તાના નક્શાઓ, હનીપ્રીતને એ દરમિયાન થયેલી વાતચીત અને ડાયરીમાં ડેેરા સાથે થયેલા તમામ આર્થિક વ્યવહારો સહિત ડેરાના પ્રમુખ રામ રહીમ સાથેે તેમના ખાસ માણસો અંગે એક મોટો ઘટસ્ફોટ થશે. અત્યાર સુધી હનીપ્રીત અને વિપશ્યના એટલા માટે આમનેસામને પૂછપરછમાં આવી રહી નહોતી, કારણ કે તેનાથી સા‌િજશનો ખુલાસો થઇ શકે તેમ હતો.

હનીપ્રીત પાસેથી પંચકુલા પોલીસની એસઆઇટીને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. સિટે ડેરાની ચેરપર્સન વિપશ્યના અને હનીપ્રીતને સામસામે બેસાડીને રમખાણ અને ડેરાનાં રહસ્ય અંગે ૪૦ પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વિપશ્યનાને નો‌િટસ બજાવવામાં આવી હોવા છતાં તે સિટ સામે હાજર થઇ નથી. પોલીસે આજે પણ વિપશ્યનાને બોલાવી છે.

વિપશ્યનાને ૧૦ ઓક્ટોબરના રોજ હાજર થવા ફરમાન કરાયું હતું, પરંતુ તેણે મેડિકલ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપશ્યના પોલીસના પ્લાનને બગાડવા માગે છે અને તે હનીપ્રીતની સામે સવાલના જવાબ આપવા માગતી નથી.

You might also like