રામ રહીમના ‘ડેરા’ પર ત્રાટકવા પોલીસ-SWAT ટીમ સિરસા પહોંચી

સિરસા: પંજાબ-હરિયાણા હાઇકોર્ટના આદેશ અને મંજૂરી બાદ આજે હરિયાણા પોલીસ અને SWAT ટીમ સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદામાં સર્ચ ઓપરેશન હાથ ધરવા પહોંચી ગઇ છે. હાઇકોર્ટના આદેશ બાદ હરિયાણા સરકારે સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદામાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સંપૂર્ણ તૈયારીઓ સાથે ટીમ સિરસા પહોંચી ગઇ છે. આ માટે હરિયાણાના મધુબનથી હરિયાણા પોલીસની એક બટાલિયન, ૪૦ સ્વાટ કમાન્ડો, બોમ્બ પ્રતિરોધક સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ આજે ડેરા સચ્ચા સૌદામાં સર્ચ ઓપરેશન હાથ ધરશે.

સિરસામાં ડેરા સચ્ચા સૌદાનાં તાળાં તોડવા માટે રર લુહારને બોલાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે ૪૦ કંપનીઓ તહેનાત કરાઇ છે. આમાંથી ર૦ કુમક સીઆરપીએફની, ૧ર આર્મ્ડ ફોર્સિસની, પાંચ આઇટીબીપી, બે આરએએફની , બે બીએસએફની અને ચાર કૂમક આર્મીની છે. ૪૦ SWATકમાન્ડો અને બોમ્બ સ્કવોડના પ૦ સભ્યો પણ પહોંચી ગયા છે.
ડેરા સચ્ચા સૌદાની તલાશીની માગણીને લઇને હરિયાણા સરકારે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટે આ પિટિશન મંજૂર કરી છે. હાઇકોર્ટ તરફથી એક રિટાયર્ડ સેશન્સ જજને કોર્ટ કમિશનર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. તેમની આગેવાની હેઠળ હરિયાણા સરકાર સિરસામાં ડેરા સચ્ચા સૌદાના વડા મથકમાં સંપૂર્ણ તલાશી લેશે.

હરિયાણા સરકાર તરફથી કોર્ટ કમિશનરને તમામ સુવિધા અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ ડેરા સચ્ચા સૌદાના સિકસા વડા મથકની તલાશી હરિયાણા સરકારની સાથે સાથે અદાલતની દેખરેખમાં કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ સર્ચ ઓપરેશન દરમિયાન હરિયાણા સરકાર સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરશે. ત્યાર બાદ રામ રહીમ વિરુદ્ધ પોલીસને વધુ કેેટલાક નક્કર પુરાવા હાથ લાગવાની શકયતા છે. હાઇકોર્ટ દ્વારા રિટાયર્ડ સેશન્સ જજ એ.કે. પવારની કોર્ટ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

You might also like