જીવને જીવાડનાર, મારનાર કોણ?

અકાળે ન મરે પ્રાણી શસ્ત્રાઘાત થવા છતાં,
તૃણ-સ્પર્શે મરે પ્રાણી પાક્યો જો હોય કાળ તો.

‘રામ રાખે તેને કોણ ચાખે’ એવી એક લોકોક્તિ છે. ‘તૂટી એની બૂટી નહીં’ એવી પણ એક લોકોક્તિ છે. સાવ વિરુદ્ધ-વિપરીત દિશાની વાત આ લોકવાણીમાં ધ્વનિત થઇ છે, કેમ કે રામ જો રક્ષણહાર હોય તો એ વ્યક્તિને મારવા કોઇ સમર્થ નથી હોતું એવો ભાવ પહેલી લોકોક્તિમાંથી મળે છે, જ્યારે બીજી લોકોક્તિ એથી સાવ જ વિપરીત રજૂઆત કરતા કહે છે કે જો આયુષ્યની દોર તૂટવાની જ હો તો કોઇ એને તૂટતા રોકી શકતું નથી.
આ બંને જાતની રજૂઆત જો સાચી હોય, તો સણસણતો એક સવાલ લમણે ટકરાય કે મોતના મોંમાંથી અને મૃત્યુ શય્યા પરથી ઉગારી લઇને માણસને જીવતો રાખનારું તત્ત્વ કયું? તેમજ સાજા સારા માણસને વાત કરતાં કરતાં પરલોકના પંથે દોરી જનારું તત્ત્વ પણ કયું? આ બંને તત્ત્વોની શોધ કરવામાં પ્રસ્તુત સુભાષિત સહાયક બની શકે એવું હોવાથી સૌપ્રથમ સુભાષિતનું કથન વિચારી લઇએ. સુભાષિત કહે છે કે સેંકડો બાણોથી વીંધાવા છતાં માણસનો કાળ જો પાક્યો ન હોય તો અકાળે એને કોઇ મૃત્યુ પમાડી શકતું નથી અને કાળ જો પાકી ગયો હોય તો માણસના માથે એકાદ તરણું પડે એટલા માત્રથી એ મોતના મુખમાં ધકેલાઇ જતો હોય છે.
સૌને માટે પ્રત્યક્ષ થઇ શકે એ‍વી એક બાબત છે કે જો આયુષ્ય બળવાન હોય, તો ગમે તેવા જીવલેણ રોગ, ભયાનક શસ્ત્રાઘાતો કે અકસ્માતો થવા છતાં માણસ મોતના મુખમાંથીય ઉગરી જઇને હેમખેમ જીવી શકતો હોય છે અને જો આયુષ્યની દોરી તૂટવાની જ હોય તો નખમાંય રોગ ન ધરાવતો માણસ સામાન્ય બીમારીમાં પણ મોતનો કોળિયો બની જતો હોય છે. આવા દાખલાઓમાં મોતના મુખમાંથીય માણસને હેમખેમ ઉગારી લેનાર તત્ત્વ ‘અકાળ’ છે અને સાજા-સ્વસ્થ લાગતા માણસને એકાએક મૃત્યુના મુખમાં હોમી દેનાર તત્ત્વ ‘પરિપક્વ કાળ’ છે. જો કાળ પાકી ગયો હોય તો પછી કોઇ જીવાડી શકતું નથી અને કાળ પાક્યો ન હોય એટલે અકાળ હોય તો મોતના મોઢામાં કોળિયો બનવા પહોંચેલા માણસનેય કોઇ મારી શકતું નથી.
આપણે ઘણી વાર એવું જોતા હોઇએ છીએ કે મોતના બિછાને પોઢેલા દર્દી માટે સૌએ આશા છોડી દીધી હોય છે અને ડોક્ટર પણ હાથ ખંખેરી નાખે છે, એ દર્દીને અચાનક જ જીવન મળી જતાં એ વર્ષોનાં વર્ષ ખેંચી કાઢતો હોય છે. સવાલ એ થાય કે મોતનો કોળિયો બની જવાની અણી પર આવીને ઊભેલા એ દર્દીને મોતના મુખમાંથી ખેંચી કાઢીને નવજીવન બક્ષનાર હોણ? જવાબમાં કહેવું જ પડે કે એ છે બળવાન આયુષ્ય રેખા. આથી આપણાં શાસ્ત્રો ઢોલ વગાડી વગાડીને કહે છે કે શ્રીરામને શરણે દરેક મનુુષ્યએ અવશ્ય જવું જ જોઇએ.
એ જોઇને આપણે હેરત પામી જતા હોઇએ છીએ કે નખમાંય રોગ ન ધરાવનાર સાજો તાજો સ્વસ્થ માનવી એકાએક હાર્ટફેલનો ભોગ બનીને સ્મશાન ભેગો થઇ જતો હોય છે. સવાલ જાગ્યા વિના નથી રહેતો કે જીવનની જાજમ પર જ્યાફત ઉડાવતા એ સ્વસ્થ માનવીને એકાએક સ્મશાન ભેગો કરીને રાખમાં પલટાવી દેનાર કોણ? કહેવું જ પડે કે તૂટેલો આયુષ્ય દોર. આ રીતે કાળ પરિપક્વ થઇ ગયો હોય તો કોઇને જીવાડી શકાતો નથી અને કાળ જો પાક્યો ન હોય તો કઇને મારી શકાતો નથી. જેનું આયુષ્ય બળવાન હોય, એ શસ્ત્રોના આઘાત-પ્રત્યાઘાત થવા છતાં જીવંત રહી શકતો હોય છે અને આયુષ્ય બળવાન ન હોય એના માથે એક તરણું પડે એટલા માત્રથી મૃત્યુ પામી જતાં એને કોઇ રોકી શકતું નથી.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like