રૂપેરી પડદાના રામ-લક્ષ્મણ માટે ‘રાવણ’ બન્યા બિલ્ડર

મુંબઈ: આપે સાંભળ્યું હશે કે ‘રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કળિયુગ આયેગા, સંત ચુગેગા દાના તિનકા, કૌઆ મોતી ખાએગા’- આ કહેવત જેમના નામથી કહેવામાં આવી છે એ રામચંદ્ર સ્વયં આ કળિયુગમાં છેતરપિંડીનાે શિકાર બની ગયા છે. માત્ર ભગવાન રામ જ નહીં, પરંતુ તેમના નાના ભાઈ લક્ષ્મણને પણ કળિયુગના કપટી લોકોએ દગો કર્યો છે.

અહીં વાત ‘૮૦ના દાયકામાં રામાનંદ સાગરની ટીવી સિરિયલ ‘રામાયણ’માં રામ અને લક્ષ્મણના પાત્રમાં ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ અને સુનીલ લાહિરીની છે, જેમણે તાજેતરમાં ઓશીવારા-મુંબઈના પોલીસ સ્ટેશનમાં બે રિયલ્ટી કંપનીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે.

આ ઘોર કળિયુગમાં પણ મર્યાદા પુરુષોત્તમ રામ અને તેમના લઘુબંધુ લક્ષ્મણને ચૂનો લગાવવામાં આવ્યો છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલના રામ એટલે કે અરુણ ગોવિલ અને લક્ષ્મણ એટલે કે સુનીલ લાહિરીએ પેમેન્ટ કર્યા બાદ પણ સાત વર્ષ સુધી એપાર્ટમેન્ટનો કબજો નહીં મળતાં બે બિલ્ડર સામે ઓશીવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

‘રામાયણ’માં રજૂ થયા બાદ આ બંને કલાકારોને લોકો ભગવાનની જેમ માનવા લાગ્યા હતા. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમણે સાત વર્ષ પહેલાં એક સ્કીમમાં એપાર્ટમેન્ટની ખરીદી માટે પેમેન્ટ કર્યું હતું, પરંતુ હજુ સુધી તેમને પઝેશન મળ્યું નથી. ઓશીવારા પોલીસ સ્ટેશન ઉપરાંત આર્થિક અપરાધ શાખામાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આ બંને કલાકારોએ બે બિલ્ડર્સ સામે એવો આરોપ મૂક્યો છે કે બંનેએ ટુ-બીએચકે એપાર્ટમેન્ટ માટે રૂ. ૨-૨ કરોડનું પેમેન્ટ કર્યા બાદ પણ ફ્લેટનું પઝેશન મળવાની વાત તો એક બાજુ રહી, પરંતુ હજુ સુધી તેમનું બાંધકામ પણ શરૂ કર્યું નથી.

અરુણ ગોવિલ અને સુનીલ લાહિરી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેમણે ૨૦૦૭માં પેમેન્ટ કર્યું હતું અને તેમને એવું જણાવાયું હતું કે ૨૦૧૩માં ફ્લેટનું પઝેશન મળી જશે. અંધેરીના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં ૪૦ માળની ઈમારતનું નિર્માણ થનાર હતું, પરંતુ આ પ્રોજેક્ટ વિલંબમાં પડતો ગયો હતો અને હવે બિલ્ડરો ફરાર થઈ ગયા છે.

You might also like