નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ વતી લડવા રામ જેઠમલાણીની ઓફર

નવી દિલ્હી: ભાજપના પૂર્વ નેતા અને સિનિયર એડ્વોકેટ રામ જેઠમલાણીએ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વતી કોર્ટમાં વકીલાત કરવા માટે ઓફર કરી છે. અહેવાલો અનુસાર નેશનલ હેરાલ્ડ કેસમાં હાઇકોર્ટ દ્વારા ડિસ્ટ્રિકટ કોર્ટ દ્વારા સમન્સને રદબાતલ કરતી અરજી ફગાવી દીધા બાદ ૧૧ ડિસેમ્બરે રામ જેઠમલાણીએ સોનિયા ગાંધીને પત્ર લખીને તેમના વતી આ કેસમાં વકીલાત કરવાની ઓફર કરી હતી.

રામ જેઠમલાણીએ પત્રમાં ભલામણ કરી છે કે તેમને ખબર છે કે કોંગ્રેસ પક્ષે એકથી એક હોશિયાર વકીલો રોક્યા છે. તેમ છતાં જો તેમને જરૂર પડે તો તેઓ સોનિયા ગાંધીને મદદ કરવા તૈયાર છે. રામ જેઠમલાણીએ એવું પણ લખ્યું છે કે આ કેસમાં રાહુલ અને સોનિયા વતી કેસ લડવા માટે ન તો તેમને કોઇ ફી જોઇએ છે કે ન તો તેઓ કોઇ પ્રકારની સુવિધા ઇચ્છે છે.

રામ જેઠમલાણીએ જણાવ્યું હતું કે તેમને ખાતરી છે કે ગાંધી પરિવારે નેશનલ હેરાન્ડ કેસમાં કોઇ જ ખોટું કામ કર્યું નથી અને તેઓ કોર્ટમાં કોઇ પણ જાતની ફી લીધા વગર રાહુલ અને સોનિયા ગાંધીનો બચાવ કરવા માટે તૈયાર છે. પોતાના આ નિર્ણય પાછળ દલીલ કરતાં જેઠમલાણીએ જણાવ્યું હતું કે તેમનો દરેક નિર્ણય સ્પષ્ટ રાજનીતિથી પ્રેરિત હોય છે અને આ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે રાજકીય પ્રેરિત છે.

You might also like