મર્ડર કેસમાં શાહને બચાવવાની ના કહેતાં ભાજપે મને કાઢી મૂકયોઃ રામ જેઠમલાણી

કાનપુર: પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કાનૂનવિદ રામ જેઠમલાણીએ ફરી એક વાર ભાજપ સામે નિશાન તાક્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપના પ્રમુખ અમિત શાહને બચાવવા માટે મને ર૦૧૦માં ભાજપમાં બોલાવવામાં આવ્યો હતો, પરંતુ મેં અમિત શાહનો બચાવ કરવાની ના પાડી દેતાં મારી વિરુદ્ધ કાર્યવાહી કરીને ભાજપમાંથી મારી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

જેઠમલાણીએ જણાવ્યું હતું કે જ્યારે ભાજપ અ‌સ્તિત્વમાં આવ્યો ત્યારે હું ભાજપનો સંસ્થાપક સભ્ય હતો. પહેલી વાર જ્યારે અટલજીની સરકાર આવી ત્યારે તેમણે મને શહેરી વિકાસ પ્રધાન બનાવ્યો હતો. હું કાયદા પ્રધાન બનવા ઇચ્છતો હતો, પરંતુ અટલજીએ કાયદા મંત્રાલય જયલલિતાના એક સંબંધીને આપવાનો નિર્ણય કરી લીધો હતો.

જેઠમલાણીએ વધુમાં જણાવ્યું હતું કે અટલજી પણ મારાથી ડરતા હતા અને મારા જવાબ પર તેઓ કંઇ જ બોલી શકતા ન હતા. તેઓ મારાથી એટલા ડરતા હતા કે એક વાર તેમણે એવી જાહેરાત કરી દીધી હતી કે જેઠમલાણીને શહેરી વિકાસ મંત્રાલયમાંથી કયારેય દૂર કરવામાં આવશે નહીં. આખરે તેમણે મને હટાવીને કાયદા પ્રધાન બનાવ્યો હતો. હું જ્યારે કાયદા મંત્રાલયમાં હતો ત્યારે મેં મહત્વની કામગીરી કરી હતી. ત્યાર બાદ તેમણે મારું રાજીનામું માગી લીધું હતું. મેં કોઇ પણ જાતનો વિચાર કર્યા વગર ફેકસ દ્વારા મારું રાજીનામું મોકલી આપ્યું હતું અને ત્યારથી અત્યાર સુધી કયારેય અટલજીનો ચહેરો જોયો નથી.

જેઠમલાણીએ એવું પણ જણાવ્યું હતું કે મને એ કહેતાં શરમ આવે છે કે મોદી આપણા દેશના પીએમ નથી, પરંતુ બીજા દેશના પીએમ છે. ભાજપના મોટા ભાગના નેતાઓ મોદી પીએમ બનવાથી ખુશ નથી.ે

You might also like