ગુજરાત કેડરના IPS અધિકારી રાકેશ અસ્થાના બન્યા CBIના નવા ડાયરેક્ટર

નવી દિલ્હી: ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને સીબીઆઇ ઇન્ચાર્જ ડાયરેક્ટર બનાવી દેવામાં આવ્યા છે. સીબીઆઇના વર્તમાન નિર્દેશક અનિલ સિન્હા 2 ડિસેમ્બરે રિટાયર થઇ રહ્યા છે. સીબીઆઇ ડાયરેક્ટરની નિયુક્તિ કરનાર કોલેજિયમે હજુ સુધી નવા ડાયરેક્ટરનું નામ ફાયનલ કર્યું નથી, જેના કારણે રાકેશ અસ્થાનાને હાલમાં સીબીઆઇના ઇન્ચાર્જ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

અસ્થાના ચર્ચામાં ત્યારે આવ્યા, જ્યારે એ 90ના દશકમાં સીબીઆઇ એસપી તરીકે ત્યારના અવિભાજિત બિહારમાં તૈનાત હતા. અસ્થાના એ અધિકારી હતા, જેને લાલૂ વિરુદ્ધ ઘાસચારાકૌભાંડ સહિત અનેક હાઈપ્રોફાઈલ મામલામાં તપાસ કરીને કેસ દાખલ કર્યો હતો, ઉપરાંત મુખ્.મંત્રી પદ પર બેઠેલા લાલૂને 6 જાન્યુઆરી 1997ના રોજ છ કલાક સુધી પૂછપરછ કરી હતી. હાલમાં અસ્થાના પાસે અનેક મહત્વપૂર્ણ મામલાઓ છે જેમાં વિજયમાલ્યાથી લઈને અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ જેવા કેસ શામેલ છે.

નોંધનીય છે કે સીબીઆઈના ડાયરેકટર કોણ થશે તેને લઈને અટકળોનું બજાર ગરમ હતું. રૂપક દત્તાની સીબીઆઈમાંથી વિદાય પછી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આગળના ડાયરેક્ટર તરીકે તે સરકારની નજરમાં નથી. હાલમાં નવા ડાયરેકટર તરીકે રાકેશ અસ્થાનાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.

You might also like