રાજ્યવર્ધન રાઠોડે ફિફા અંડર-૧૭ વિશ્વકપની તૈયારીઓ નિહાળી

નવી દિલ્હીઃ નવા રમતગમત પ્રધાન અને ભૂતપૂર્વ ખેલાડી રાજ્યવર્ધનસિંહ રાઠોડે આગામી મહિને યોજાનારા ફિફા અંડર-૧૭ વિશ્વકપની તૈયારીઓનું અવલોકન કરવા માટે રાજધાનીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમનું અચાનક જ નિરીક્ષણ કર્યું હતું. તેમણે વહીવટદારોને કડક સંદેશ પણ આપ્યો કે તેઓએ ખેલાડીઓની જરૂરિયાતો મુજબ ઢળવું પડશે.
રાઠોડ સવારે સવા નવ વાગ્યે સ્ટેડિયમ પહોંચી ગયા. ખાસ વાત એ છે રે આ દરમિયાન કોઈ અધિકારી હજુ ઓફિસે પણ પહોંચ્યા નહોતા. આ અંગે તેમણે ઠપકો પણ આપ્યો. રાઠોડે અધિકારીઓને જણાવ્યું, ”ભારતીય રમત પ્રાધિકરણ (સાઈ) અને અન્ય બધા સ્ટેડિયમને ફક્ત એક માનસિકતા સાથે કામ કરવું જોઈએ અને એ છે સેવા. બધાએ વહીવટની માનસિકતા બદલવી પડશે. બધા ખેલાડીઓને એવું લાગવું જોઈએ કે તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.”

રાઠોડે સ્ટેડિયમની સંભાળનું સંચાલન કરી રહેલા ‘સાઇ’ના અધિકારીઓને ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાની સૂચનાઓ આપી હતી. પોતાના એક ટ્વિટમાં રાઠોડે લખ્યું, ”નહેરુ સ્ટેડિયમમાં સાઇનો અચાનક પ્રવાસ. ઓળખીતા ચહેરા અને કાર્યાલય… જ્યારે સર્વશ્રેષ્ઠની ઇચ્છા હોય તો ફક્ત સારું હોવું પર્યાપ્ત નથી.”

ઉલ્લેખનીય છે કે ભારતમાં તા. ૬થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ફિફા અંડર-૧૭ વર્લ્ડકપ ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે. જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં ગ્રૂપ સ્તરની કુલ છ મેચ રમાવાની છે. આ ઉપરાંત અહીં અંતિમ-૧૬ તબક્કાની બે મેચ પણ રમાશે. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૬૦,૦૦૦ની છે.

You might also like