રાજ્યસભામાં સ્મૃતિ ઇરાની અહેમદ પટેલ રિપીટ તો દિલીપ પંડ્યા કપાય તેવી વકી

ગાંધીનગર : ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડતી ત્રણ બેઠકોની ચૂંટણી 8મી જૂનના રોજ યોજવામાં આવશે. આ ત્રણ બેઠકો પૈકી બે બેઠકો ભાજપ પાસે અને એક બેઠક કોંગ્રેસ પાસે છે. 22મી મે ના રોજ આ બેઠકોનું જાહેરનામું બહાર પડશે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 11 બેઠકો છે જે પૈકી છ વર્ષની ટર્મ પૂર્ણ થતાં કોંગ્રેસના અહમદ પટેલ અને ભાજપના સ્મૃતિ ઇરાની તેમજ દિલીપ પંડ્યા નિવૃત્ત થાય છે.

સ્મૃતિ ઇરાની હાલ કેન્દ્રીય કેબિનેટમાં મંત્રીપદ ધરાવે છે તેથી તેમને પુન ટીકીટ અપાય તેવી સંભાવના છે, બીજી તરફ કોંગ્રેસમાં અહમદ પટેલને પણ રિપીટ કરવામાં આવી શકે તેમ છે. ભાજપનું હાઇકમાન્ડ તેની એક બેઠક કે જ્યાં હાલ દિલીપ પંડ્યા છે તેમને રિપીટ કરવાનો મૂડ ધરાવતું નથી. તેમના સ્થાને ગુજરાતમાંથી કોઇ નેતાની પસંદગી થાય તેમ લાગે છે.

સૂત્રો આનંદીબહેન પટેલનું નામ આગળ કરી રહ્યાં છે પરંતુ આ નામ સાથે ભાજપનું એક જૂથ સહમત થાય તેમ નથી તેથી કોઇ નવા ઉમેદવારનું નામ ધરી પર આવી શકે છે. ભારતના ચૂંટણી પંચે ગુજરાતની ત્રણ સહિત દેશભરની કુલ 10 બેઠકોની ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. આ બેઠકો પૈકી ચાર બેઠકો ટીએમસી પાસે, ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે, બે બેઠકો ભાજપ પાસે અને એક બેઠક સીપીઆઇએમ પાસે છે.

You might also like