રાજ્યસભાના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલનું દિલ્હી ખાતે નિધન

ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ એવા પ્રવીણ રાષ્ટ્રપાલનું અાજે નવી દિલ્હી ખાતે નિધન થયું હતું. ગુજરાત કોંગ્રેસના દલિત અાગેવાન એવા 77 વર્ષીય પ્રવીણ રાષ્ટ્રપાલ છેલ્લા કેટલાક સમયથી દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને રહેતા હતા. અાજે સવારે પોતાનો નિત્યક્રમ પતાવીને બેઠા હતા ત્યારે અચાનક હાર્ટએટેક અાવતાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાપ્તે સૂત્રો મુજબ તેઅો છેલ્લા કેટલાક સમયથી બીમાર હોય તેમની સારવાર ચાલી રહી હતી. રાષ્ટ્રપાલના નિધનથી કોંગ્રેસના અાગેવાનો અને કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપાલ વર્ષ 1999માં લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક ઉપરથી ચૂંટાયા હતા. ત્યાર બાદ તેઅો વર્ષ 2006માં કોંગ્રેસના સાંસદ તરીકે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધ‍િત્વ કર્યું હતું. ત્યાર બાદ તેઅો વર્ષ 2012માં પણ ફરી વખત ગુજરાતના સાંસદ તરીકે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. રાજકીય કારકીર્દિમાં તેઅો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, સોશિયલ વેલ્ફેર કમિટી સહિત અનેકવિધ સમિતિઅોમાં રહી ચૂક્યા છે.
રાજકારણમાં પ્રવેશ કર્યો તે પહેલાં વર્ષ 1969માં રાષ્્ટ્ર પાલ ઈન્કમટેક્સ વિભાગમાં ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ તેઅો 1997 સુધીમાં અાસિસ્ટન્ટ કમિશનર અોફ ઈન્કમટેક્સની પોસ્ટ સુધી પહોંચ્યા હતા. ઈન્કમટેક્સની નોકરીમાંથી મુક્ત થયા બાદ તેઅો કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા.

You might also like