રાજુ ચાંડક ફાયરિંગ કેસ: વધુ ત્રણ નામ ખૂલ્યાં

અમદાવાદ: વર્ષ 2009માં આસારામના પૂર્વ સાધક રાજુ ચાંડક પર થયેલા ફાયરિંગ કેસમાં એસઓજીએ કાર્તિકની ટ્રાન્સ્ફર વોરન્ટથી ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં રાજુ ચાંડક પર ફાયરિંગ આસારામના સાધક સંજુએ કર્યું હોવાનુંુ સામે આવ્યું છે તમંચો લાવવા માટે આશ્રમના પૂર્વ સંચાલક અને અમદાવાદના રહેવાસી ડી.કે.પટેલ અને અર્જુન સિંધીએ કાર્તિકને રૂ. એક લાખ આપ્યા હતા. એટીએસની ટીમ છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડેલા આસારામના શાર્પ શૂટર કાર્તિક ઉર્ફે રાજુ દુલાલચંદ હલદરને ક્રાઈમ બ્રાંચને સોંપ્યો હતો. એસઓજીના પીઆઈ બી.ડી.જાડેજાએ કાર્તિકની ટ્રાન્સ્ફર વોંરટથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. રાજુ ચાંડક ઉપર ફાયરિગ થયું તેમાં કાર્તિક પોતે બાઇક ચલાવતો હતો અને આસારામનાં સાધક સંજુએ ચાંડક ઉપર ફાયરિંગ કર્યું હતું.

દીપેશ અભિષેકના અપમૃત્યુ કેસમાં રાજુ ચાંડક સાક્ષી હોવાના કારણે તેની હત્યા કરી નાખવાનો પ્લાન આશ્રમમાં ઘડાયો હતો. આ પ્લાનમાં અમદાવાદમાં રહેતા અને આશ્રમના સાધક ડી.કે.પટેલ અને અર્જુન સિંધીએ કાર્તિકને એક લાખ રૂપિયા આપ્યા હતા. ચાંડક ઉપર સાબરમતીમાં ફાયરિંગ કરીને કાર્તિક અને સંજુ બન્ને ફરાર થઇ ગયા હતા અને નદીના પટમાં દેશી તમંચો ફેંકી દીધો હતો. 2012માં નદીના પટમાં બિનવારસી દેશી તમંચો મળી આવ્યો હતો જેનો વર્ષ 2013માં એફએસએલ રિપોર્ટ પણ આવ્યો હતો જેમાં સંજુ ચાંડક ઉપર ફાયરિંગ કેસમાં આ તમંચો ઉપયોગ થયાે હોવાનું રિપોર્ટમાં ખુલ્યું હતું.

એસઓજી ક્રાઇમે તપાસ કરતાં સાબરમતી પોલીસ સ્ટેશનમાંથી દેશી તમંચો કબજે કર્યો છે અને ડી.કે.પટેલ સહિત ત્રણ સાધકોને શોધવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે આ મુદ્દે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.જાડેજાએ જણાવ્યું છે કે રાજુચાંડક ઉપર ફાયરિગ કેસમાં વપરાયેલો દેશી તમંચો સાબરમતી પોલીસ સ્ટેશનથી રિકવર કરવામાં આવ્યો છે.

You might also like