રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. હિતેશ દેસાઇએ મૃત્યુ પામેલા મેમ્બરના નંબરની ફાળવણી કરીને નવા સભ્યોને મેમ્બરશિપ ફાળવીને કૌભાંડ આચર્યું હતું. ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનામાં મેમ્બરશિપ ફાળવી દેવાના મામલે ઘણો વિવાદ સર્જાયો હતો. જેને લઇને રાજપથ કલબના ડાયરેકટરોએ એક સ્પેશિયલ કમિટીની રચના કરી હતી

ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ દેવમંદિર સોસાયટીમાં રહેતા અને રાજપથ ક્લબના જનરલ મેનેજર અમિતભાઇ રણછોડભાઇ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની ચીિંટગની ફરિયાદ કરી છે. તારીખ ૧૮ જુલાઇ ૨૦૧૨ના રોજ રાજપથ ક્લબના ડાયરેક્ટરોએ હિતેશ દેસાઇએ (રહેઃ શ્રીરામ નગર સોસાયટી, વેજલપુર)ની ક્લાર્ક તરીકે નિમણૂંક કરી હતી.

વર્ષ ૨૦૧૫માં હિતેશ દેસાઇને બઢતી આપીને ક્લાર્કમાંથી એચ.આર.વિભાગમાં ક્લબના મેમ્બરોના કાર્ડની કામગીરી કરવાની કામગીરી સોંપાઇ હતી. હિતેશ દેસાઇ કબલમાં નવા મેમ્બરો બનાવવાની અને મેમ્બર બનવા ઇચ્છા લોકોને મેમ્બરશિપના નીતિ નિયમોની માહિતી આપવાનું કામ તેમજ નવા મેમ્બરોના ડોક્યુમેન્ટ વેરિફાય અને તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ મેમ્બરને ડાયરેક્ટરોની સમક્ષ ઇન્ટરવ્યુ માટે રજૂ કરવાનું અને જૂના મેમ્બરોના પ્રશ્નોનો નિકાલ કરવાનું કામ કરતા હતા.

તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પ્રવીણચંદ્ર દેસાઇની મેમ્બરશિપ સંદીપ શાહના નામે થઇ જતાં હિતેશ દેસાઇ પાસે ક્બલના ડાયરેક્ટરોએ વિગતો માગી હતી. સંદીપ શાહની વિગતો આપવાની જગ્યાએ ફોર્મ નથી મળતું તેવું કહીને હિતેશ વાતને ટાળતો હતો. તારીખ૨૮ ડિસેમ્બરના રોજ જનરલ મેનેજર અમિતભાઇએ ક્લબના તમામ સ્ટાફના માણસોને ભેગા કરીને સંદીપ શાહના મેમ્બરશિપ મામલે પૂછ્યું હતું.

અમિતભાઇએ પૂછપરછ કરતાં હિતેશ દેસાઇએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. અમિતભાઇને હિતેશ પર શંકા જતાં તેમણે ક્લબના ડાયરેક્ટરોને સમગ્ર હકીકતની જાણ કરી હતી જેથી તેમણે ક્બલના તમામ રેકર્ડ તપાસ કરવા માટે આદેશ આપ્યા હતા. તમામ મેમ્બરોની ઝીણવટભરી તપાસ કરતાં મેમ્બરોના લિસ્ટના રેકોર્ડમાં ઘણી ખામીઓ હોવાનું સામે આવ્યું હતું.

અમિતભાઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ક્લબમાં ૧૮ મેમ્બર અનએક્ટિવ હતા તે મેમ્બરોના ડોક્યુમેન્ટમાં ચેડાં કરીને હિતેશે વિક્રમભાઇ ભરવાડ, મનીષા ઠક્કર, બીરેન શાહને પુત્ર અને પુત્રી બતાવીને મેમ્બરશિપ આપી હતી. રાજપથ ક્લબમાં મેમ્બરશિપ લેવી હોય તો દસ લાખ રૂપિયા અને જીએસટી ભરવાનાં હોય છે પંરતુ હિતેશે આ ત્રણેય પાસેથી પાંચ લાખ રૂપિયા લઇને મેમ્બરશિપ આપી હતી અને તમામ રૂપિયા ચાંઉ કર્યા હતા.

હિતેશે ત્રણેય મેમ્બરના જૂના મેમ્બરના પુત્ર અને પુત્રી બનાવીને ૫૦ ટકા ડિસ્કાઉન્ટનો લાભ આપીને રૂપિયા ચાંઉ કર્યા હતા. તેમજ હિતેશે મેમ્બરશિપ ધરાવતા રાજેશભાઇ ઠક્કર, સંજય બારોટ, ગૌતમ બારોટ, મિત્તલ ઠક્કર, હિતેન શાહ, અમિત ગુપ્તા, નીલમ પટેલ, મહેન્દ્ર પટેલ, જશવંત ઠક્કર, રોહિત દેસાઇ, ધ્રુતિ ઠક્કર, રવિ દેસાઇ, કરિશ્મા ત્રિવેદી, મયૂર શાહ, ભૂપેન્દ્ર ઠક્કરને પણ ક્લબના જૂના રજિસ્ટર્ડ થયેલા સભ્યોના રેકોર્ડમાં નામ સરનામાં ચેડા કરીને મેમ્બરશિપ કાર્ડ આપી દીધાં હતાં. હિતેશે તમામ પાસેથી દસ લાખ રૂપિયા લીધા હતા. હિતેશે કુલ ૧.૬૫ કરોડ રૂપિયા લઇને ક્બલની મેમ્બરશિપ આપી દીધી હતી.

આ સિવાય હિતેશે ૨૦ અનએક્ટિવ મેમ્બરોનાં નામ અને એડ્રેસમાં ચેડા કરીને નવી મેમ્બરશિપ બનાવટી એફિડેવિટ કરીને બનાવી આપીને દરેક પાસેથી ટ્રાન્સફર ફી પેટે ૨.૩૬ લાખ રૂપિયા લીધા હતા. હિતેશ દેસાઇએ બારોબાર ક્લબની મેમ્બરશિપ આપી દેવાનું સામે આવતાં વસ્ત્રાપુર પોલીસે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજપથ ક્લબના મૃત્યુ પામેલા એક સભ્યના સ્વજનો તેમની મેમ્બરશિપ અંગે તપાસ કરવા આવતાં પહેલીવાર આ કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.

હિતેશ દેસાઇએ આ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવતાં તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. હિતેશે આચરેલાં કૌભાડની તપાસ કરવા માટે ક્લબે ચાર સભ્યની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં જનરલ મેનેજર અમિત પટેલ, ડેપ્યુટી જનરલ મેનેજર ભરત પટેલ, જયેશ વ્યાસ અને આઈ.ટી. મેનેજર રમેશ મૌર્યનો સમાવેશ થાય છે.

આ ચાર સભ્યની સમિતિને આ કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ મેમ્બર કે સ્ટાફના સભ્ય અથવા તો ડિરેક્ટર સામે પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે. આ કૌભાંડ આચરનાર ક્લાર્ક હિતેશ દેસાઈએ ક્લબના દસ્તાવેજો સાથે પણ ચેડાં કર્યા હોવાનું તેમ જ કહેવાતા નવા સભ્યો પાસેથી રોકડમાં મોટી રકમની ફી વસૂલી લીધી હોવાનું સામે આવતાં તેમને ડાયરેક્ટર સમક્ષ રિપોર્ટ મુક્યો હતો.

You might also like