રાજપથ ક્લબ રોડ પર ભેખડ ધસીઃ ચાર મજૂરોને બચાવાયા

અમદાવાદ: શહેરના એસજી હાઇ વે પર રાજપથ ક્લબ રોડ ઉપર આવેલી શિવાલિક પ્રોજેક્ટ્સની સાઇટ પર આજે સવારે એકાએક ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં તેમાં પાંચ મજૂરો દટાયા હતા. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરાતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ચાર મજૂરોને બહાર કાઢી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.અા લખાય છે ત્યારે સવારે ૧૧.૩૦ કલાકે એક મજુરને કાઢવાની કામગીરી ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ રાજપથ ક્લબ રોડ પર ગોલ્ફ ક્લબ નજીક શિવાલિક પ્રોજેક્ટર્સની નવી સાઇટ બની રહી છે. આ સાઇટ ઉપર આજે સવારે કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. દશ વાગ્યાની આસપાસ એકાએક ભેખડ ધસી પડવાની ઘટના બની હતી. ભેખડ ધસતાં સેન્ટિંગનું કામ કરતા પાંચ મજૂરો દટાયા હતા.

સાઇટ પર હાજર લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ત્રણ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બચાવ કામગીરી ચાલુ કરી દીધી હતી. ફાયરબ્રિગેડની ટીમે દટાયેલા ચાર મજૂરોને જીવિત બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે દટાયેલા એક મજૂરને બહાર કાઢવા કવાયત હાથ ધરી છે. ભેખડ ધસી પડતાં સાઇટ પર ભાગદોડ મચી ગઇ હતી. વસ્ત્રાપુર પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

You might also like