રાજૌરી અને પુંચમાં પાકિસ્તાનનો ગ્રેનેડથી હુમલોઃ બે ઘૂસણખોર ઠાર

પુંચ: પાકિસ્તાન સેનાએ થોડા દિવસો બાદ ફરી એલઓસી પર ફાયરિંગ કરતાં ગઈ કાલે રાજૌરી અને પુંચમાં આતંકવાદીઓને ઘૂસણખોરી કરાવવાના હેતુથી ગ્રેનેડથી હુમલો કરતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ હુમલા બાદ ભારતીય સેનાએ પણ વળતો આકરો પ્રહાર કરતાં બે ઘુસણખોર ઠાર થયા હતા.

જયારે અન્ય ઘૂસણખોરો પરત નાસી ગયા હતા. આ દરમિયાન સેનાના ત્રણ જવાનને ઈજા થઈ હતી. જ્યારે સ્નાઈપર શોટમાં સેનાના એક જવાનનો આબાદ બચાવ થયો હતો. ગઈ કાલે પાકિસ્તાન તરફથી ઝંગડ સેકટરમાં આવેલી સેનાની ખબા પોસ્ટચોકી પર ફેંકવામાં આવેલા ઈન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચરથી ચોકી પર તહેનાત જવાન અશોકને ઈજા થઈ હતી.

ત્યારબાદ અશોકને રાજૌરીની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન લામ સેકટરમાં પણ પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા સ્નાઈપર શોટમાં સેનાના એક જવાનનો આબાદ બચાવ થયો હતો. જો કે બાદમાં પણ પાક.સેનાએ પુંચમાં એક સાથે ત્રણ સેકટરમાં સેનાની ચોકીઓ અને અન્ય વિસ્તારમાં મોર્ટાર અને લોન્ચરથી હુમલો કર્યો હતો.

જેમાં સેનાના બે જવાનને ઈજા થઈ હતી. પાક. તરફથી અચાનક જ કરાયેલા હુમલાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. જેના જવાબમાં ભારતીય સેનાએ પણ આકરો જવાબ આપતાં પાકિસ્તાની સેનાને પણ નુકસાન થયું હતું. જ્યારે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતાં બે ઘૂસણખોરને ઠાર કરી નાખ્યા હતા.

પાકિસ્તાનની સેના ફાયરિંગની આડમાં આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે પાકિસ્તાનની આવી હરકતનો ભારતીય સેના તરફથી જડબાંતોડ જવાબ આપવામા આ‍વતા હાલ પાકિસ્તાનના ઈરાદા પર પાણી ફરી વળ્યું છે.

દરમિયાન મેંઢર સેકટરમા સરહદ પર થયેલા બારુદ સુરંગ વિસ્ફોટમાં સેનાના એક જવાનને ઈજા થઈ હતી. સેનાના જવાનો સરહદ પર ફરજ બજાવતા હતા ત્યારે ઓમપ્રકાશ નામના જવાનનો પગ બારુદી સુરંગ પર પડતાં વિસ્ફોટ થતાં તેને ગંભીર ઈજા થઈ હતી.જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

You might also like