ઘાટીમાં શાંતિ માટે ઓલ પાર્ટી ડેલિગેશનની રચના થશે

નવી દિલ્હીઃ કાશ્મીર ઘાટીમાં ગત 51 દિવસથી અશાંતિનો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને ઠારે પાડવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર કાશ્મીર માટે ઓલ પાર્ટી ડેલિગેશનની રચના કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગૃહમંત્રી રાજનાથ સિંહ ઓલ પાર્ટી ડેલિગેશનને લીડ કરશે. સાથે જ આ ડેલિગેશન 3 સપ્ટેમ્બરે કાશ્મીર ઘાટી જઇ શકે છે. ગઇ કાલે રાજનાથ સિંહે કાશ્મીર ઘાટીની સુરક્ષા અને ત્યાં ચાલી રહેલા કામોની સમીક્ષા કરી સાથે જ બીજેપી નેતાઓ સાથે મળીને ઓલ પાર્ટી ડેલિગેશનનો રોડ મેપ પણ તૈયાર કર્યો છે.

સરકારે અલગ અલગ દળોના નેતાઓ સાથે ડેલિગેશનનું લિસ્ટ તૈયાર કર્યું છે. ગઇ કાલે પીએમ મોદીએ પણ મન કી બાતમાં કાશ્મીર અંગે રજૂઆત કરી હતી. આ પહેલાં મહેબુબા મુફ્તી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. જેમણે મોદીને કાશ્મીર ઘાટીમાં ફેલાયેલી હિંસાની વિસ્તૃત માહિતી આપી હતી.

રાજનાથ આ પહેલાં પણ બે વખત કાશ્મીર ધાટીમાં ગયા હતા અને કાશ્મીર હિંસાને કાબુમાં લેવા માટે રાજનીતિક પાર્ટીઓ સાથે મુલાકાત પણ લીધી હતી. મિટિંગ દરમ્યાન ગૃહમંત્રીએ કહ્યું હતું કે જે લોકો માનવતા, લોકશાહી અને કાશ્મીરિયત પર વિશ્વાસ રાખે છે, તેમના માટે તમામ દરવાજા ખુલ્લા છે. સરકાર તેમની સાથે વાતચીત કરવા તૈયાર છે.

હિજબુલ મુજાહિદીનના આતંકવાદી બુરહાન વાનીના માર્યા ગયા બાદ છેલ્લાં 52 દિવસથી કાશ્મીરમાં હિંસાની પરિસ્થિતિ હથાવત છે. જ્યારે આજે 52 દિવસ બાદ શ્રીનદરના નૌહટ્ટા અને મહારાજગંજ વિસ્તારમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. આ હિંસમાં અત્યાર સુધી 70 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 11,000થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

You might also like