રાજનાથસિંહ પાક. સાથે દ્વિપક્ષીય બેઠક નહીં કરેઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહની ૪ ઓગસ્ટે શાર્ક સંમેલનને લઈને ઈસ્લામાબાદની યાત્રા દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં એવું જણાવ્યું છે. રાજનાથસિંહની મુલાકાત દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય વાટાઘાટના અહેવાલોને વિદેશ મંત્રાલયે રદિયો આપ્યો છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે હું સ્પષ્ટતા કરવા માગું છું કે ભારતના ગૃહપ્રધાન સાર્ક સંમેલનમાં હાજરી આપવા પાકિસ્તાન જઈ રહ્યા છે. ત્યાં પાકિસ્તાન સાથે કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં. મીડિયામા એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે રાજનાથસિંહ પાકિસ્તાનના વિદેશ પ્રધાન નિસારઅલી ખાન અને વડા પ્રધાન નવાઝ શરીફ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે.

રાજનાથસિંહ ૪ ઓગસ્ટે ઈસ્લામાબાદ ખાતે સાર્ક સંમેલનમાં ભાગ લેશે. જ્યારે સભ્ય દેશોના ગૃહસચિવોની બેઠક ૩ ઓગસ્ટે યોજાશે. રાજનાથસિંહ સંમેલનમાં પાકિસ્તાન સાથે સીમાપારના ત્રાસવાદનો મુદ્દો ઉઠાવી શકે છે અને કાશ્મીરમાં અશાંતિ ભડકાવતાં ત્રાસવાદી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરી દેવા જણાવી શકે છે.

You might also like