રાજનાથસિંહે આપ્યો નિર્દેશ, કાશ્મીરમાં અઠવાડીયામાં પરત ફરશે જનજીવન

કાશ્મીર : કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સુરક્ષા દળોને નિર્દેશ કર્યો છે કે તેઓ એવા લોકો પર કડક કાર્યવાહી કરે જેઓ જમ્મુ-કાશ્મીરમાં હિંસામાં સામેલ થવા યુવાનોને ભડકાવે છે. રાજનાથસિંહે સુરક્ષા દળોને જણાવ્યું કે એક અઠવાડિયાની અંદર રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુર્નસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે ચાલેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આ નિર્દેશ કર્યા હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ રાજનાથસિંહે સુરક્ષા દળોને જણાવ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં હિંસા માટે પ્રેરિત કરનારાઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તેમના કેસ દાખલ કરવામાં આવે, કારણ કે આ હિંસાના કારણે છેલ્લા 65 દિવસથી સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે આઠ જુલાઇના રોજ હિજબુલ મુજાહુદ્દીનના કમાન્ડર બુરહાન વાનીની અથડામણમાં મોત થયા બાદ ઘાટીમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજનાથસિંહે કહ્યું હતું કે એક અઠવાડિયામાં ઘાટીમાં સામાન્ય સ્થિતિનો પ્રયાસ થવો જોઇએ. તેમજ સ્કૂલ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ શરૂ થવા જોઇએ. લાંબા સમયથી ચાલી રહેલા આ સંકટના કારણે સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓને થઇ રહ્યું છે.

You might also like