ઉદ્ધવે રાજનાથસિંહને કહ્યુંઃ શિવસેના નોટબંધીના નિર્ણયની વિરુદ્ધ નથી

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણયને લઇને વિરોધ પક્ષના હુમલા વચ્ચે પોતાના જ સાથી પક્ષ શિવસેનાના ખુલ્લેઆમ વિરોધ બાદ ભાજપે સાથી પક્ષોને સાથે રાખવાની કોશિશો તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે શિવસેનાના પ્રમુખ ઉદ્વવ ઠાકરે સાથે ફોન પર નોટબંધીના મામલે વાત કરી હતી. રાજનાથસિંહ સાથેની વાતચીતમાં ઉદ્વવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે શિવસેના નોટબંધીના નિર્ણય વિરુદ્ધ નથી, પરંતુ આ નિર્ણય પછી લોકોને ખૂબ જ હાલાકી અને હાડમારી પડી રહી છે અને સરકારે લોકોની સમસ્યાઓ હલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાં જોઇએ.

શિવસેના નોટબંધીના નિર્ણયને લઇને વિરોધ પક્ષની પડખે હોઇ એવું દેખાઇ રહ્યું છે. બુધવારે ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી આયોજિત રાષ્ટ્રપતિ ભવન ભણી કૂચમાં પણ શિવસેનાના નેતા જોડાયા હતા. રાજનાથસિંહે સરકારમાં પોતાના સાથીઓને મનાવવાના પ્રયાસ હેઠળ ઉદ્વવ ઠાકરેને ફોન કર્યો હતો અને નોટબંધીના નિર્ણય બાદ લોકોની સમસ્યા હળવી કરવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસો અંગે તેમને માહિતગાર કર્યા હતા.

દરમિયાન દેશમાં રૂ.પ૦૦ અને ૧,૦૦૦ નોટો બંધ કરવાના નિર્ણયથી સર્જાયેલ રોકડ રકમની કટોકટીને ધ્યાનમાં લઇને ગૃહ મંત્રાલય દર બે કલાકે દેશની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પણ સતર્ક રહેવા તાકીદ કરી છે અને રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહેવા જણાવ્યું છે. આમ ગૃહ મંત્રાલય દર બે કલાકે સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે.

You might also like