રાજકોટ યાર્ડની ચૂંટણીઃ આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે નહીં, પરંતુ ભાઈભાઈ હોય તેવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. રાજકોટ નજીક બેડીમાં રૂપિયા ર૦૦ કરોડના ખર્ચે આધુનિક યાર્ડ બનાવાયું છે. આ યાર્ડમાં સત્તા મેળવવા માટે સ્થાનિક આગેવાનો પક્ષના બેનરને ભૂલી ભાઈબંધીના દાવે ચૂંટણી લડી રહ્યા છે. આ માટે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ મળી સંયુક્ત સહકાર પેનલ બનાવી છે. રાજકોટ યાર્ડની ૧૪ બેઠકો માટે ૧રમી એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં વેપારી વિભાગની ચાર, ખેડૂત વિભાગની આઠ અને સંઘ વિભાગની બે બેઠકોનો સમાવેશ થાય છે. જેમાંથી સંઘ વિભાગની બે બેઠકો તો બિનહરીફ થઈ ગઈ છે.

રાજકોટના સહકારી ક્ષેત્રમાં જ નહીં, પરંતુ જિલ્લાના રાજકારણમાં આ ચૂંટણીની ભારે ચર્ચા છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખિયાએ પણ આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જિલ્લાના કોંગ્રસ અને ભાજપના આગેવાનો ઊંડો રસ લઈ ચૂંટણી સમરસ થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. યાર્ડના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન હરદેવસિંહ જાડેજા તથા ભાજપના આગેવાન પરસોતમ સાવલિયા સંઘ વિભાગની બે બેઠક પર બિનહરીફ થયા છે.

હવે ૧ર બેઠકો વચ્ચે રસાકસી જામશે. ચૂંટણી લડનાર આગેવાનો કહે છે, “સહકારી ક્ષેત્રની ચૂંટણી પક્ષના બેનરને બદલે સહકારી માળખાના આધારે થાય છે. આ ચૂંટણી પણ સહકારી ક્ષેત્રના આગેવાનો વચ્ચે સમજૂતીથી લડાઈ રહી છે.” આ ચૂંટણીમાં સહકારી નેતા વિઠ્ઠલ રાદડિયા માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ કહે છે, “સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ પક્ષ કરતાં સ્થાનિક આગેવાનો સમજૂતીથી લડે છે, તેનાં સારાં પરિણામો મળે છે.” આગેવાનો ભલે ગમે તે માનતા હોય, પરંતુ લોકોને તો આ સમીકરણો સત્તા માટેની ભાગબટાઈ હોય તેવું દેખાય છે!

You might also like