રાજકોટમાં જ્યારે માનવતા મહેકી ઊઠી!

ઉરીમાં આતંકવાદી હુમલા બાદ દેશભરમાં દેશપ્રેમનો જુવાળ ઊભો થયો છે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પરિવારોને મદદરૂપ થવા માટે દેશભરમાંથી સહાયની સરવાણી વહી રહી છે. આ માટે ઠેરઠેર નાનામોટા કાર્યક્રમો યોજી ભંડોળ એકત્ર કરાઈ રહ્યું છે. આવા માહોલમાં રાજકોટ બસ સ્ટેન્ડમાં બનેલી એક ઘટનાને નજરે જોનારા એ શહીદોની સાથે એ દાતાની માનવતાને એક નહીં પરંતુ બે હાથે સલામ મારી હતી.

ઉરી હુમલાના શહીદો માટે સહાય એકત્ર કરવા રાજકોટ બસ સ્ટેન્ડમાં દાનપેટી મૂકવામાં આવી હતી. જેમાં મુસાફરો પોતાની શક્તિ મુજબ પૈસા નાખતા. ઈશ્વરે જેને કંઈક આપ્યું છે અને જેમને શહીદો પ્રત્યે લાગણી છે તેઓ તો દાનપેટી સુધી પહોંચતાં જ હતા, પરંતુ મેલાંઘેલાં અને ફાટેલાં-તૂટેલાં કપડાં પહેરેલી એક વ્યક્તિએ ખભે કાગળના ડૂચા સાથે આવીને દાનપેટીમાં પૈસા નાખ્યા ત્યારે હાજર સૌ બોલી ઊઠ્યા કે આ જ સાચો દેશપ્રેમ છે.

દિલેરી એ કોઈની જાગીર નથી. એ બાબત પેટનો ખાડો પૂરવા કાગળના ડૂચા વીણતાં અને લોકો પાસે ભીખ માગી બે ટંકનું ખાવાનું માંડ ભેગું કરતાં એક ભિખારી મહિલા અને પુરુષે સાબિત કરી હતી. દાનપેટીનું કાઉન્ટર લઈને બેઠેલી વ્યક્તિએ શરૂઆતમાં આ બંનેને રોક્યાં હતાં અને તમારે દાનપેટીમાં પૈસા નથી નાખવા એમ સમજાવ્યુ પણ હતુંં, પરંતુ આ ભિખારીઓએ ઈશારાથી કહ્યું કે, “અમને પણ યોગદાન આપવાની તક આપો.” ને પોતાના હાથ દાનપેટીમાં પૈસા સરકાવ્યા એ ઘટનાથી જાણે માનવતા મહેકી ઊઠી હતી.

You might also like