રાજકોટઃ સેન્ટમેરી સ્કૂલમાં ધો.5-6ના વર્ગો કરાયા બંધ, વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું

એક તરફ રાજ્યમાં શાળાઓની ફીનો મામલો તો શાંત પડી રહ્યો નથી, એવામાં ગેરકાયદેસર રીતે સ્કૂલ દ્વારા વર્ગો ચલાવવામાં આવતો હોવાનો મામલો પણ જાહેર થયો છે. રાજકોટની સેન્ટમેરી સ્કૂલ આ જ મામલે ફરી વિવાદમાં આવી છે.

આ સ્કૂલમાં ચાલતા ધોરણ-5 અને 6ના વર્ગોની મંજૂરી રદ્દ થતા વાલીઓએ શાળા સામે હોબાળો મચાવ્યો છે. ધોરણ-5ના વધારાના વર્ગ બંધ કરાયા હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે, તેથી વાલીઓ રોષે ભરાયા હતા.

ધોરણ- 6થી8ની મંજૂરી પણ રદ્દ કરાતા હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય તેવી બીક વાલીઓમાં ફેલાઈ છે. જેના પગલે વાલીઓ દ્વારા શાળા સામે સંગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે.

ગુજરાત શિક્ષણ વિભાગે સેન્ટમેરી સ્કૂલના વર્ગોની માન્યતા રદ્દ કરતા 180થી વધુ વિધાર્થીઓનું ભાવિ જોખમાયું છે. એટલું જ નહીં અધવચ્ચે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે અને વાલીઓની ફી પણ વેડફાઈ રહી હોવાથી હવે વાલીઓ શાળા સામે ઉગ્ર બન્યા છે અને વર્ગોને મંજૂરી અપાવો તેવી માગણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં સ્કૂલમાં આ વર્ગો ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને હવે અડધા સત્રમાં આ રીતે વર્ગોની મંજૂરી રદ્દ કરાતા વાલીઓ રોષે ભરાય તે સ્વાભાવિક છે. જો કે આ મામલે સ્કૂલ દ્વારા હજુ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

You might also like