જેતપુરમાં કેમિકલયુક્ત પાણીથી સ્થાનિકોનાં સ્વાસ્થ્ય જોખમમાં, લોકોમાં ઉગ્ર રોષ

રાજકોટઃ જેતપુરનાં પ્રદુષણનાં પાપીઓની પાપલીલા દિવસેને દિવસે રાક્ષસી રૂપ લઈ રહી છે તેમજ સ્થાનિકોનાં સ્વાસ્થ્યનો ભરડો લઇ રહી છે. આ પ્રદુષણ હવે ભાદર-2 ડેમ બાદ છાપરવાડી ડેમને પણ ભરખી ગયું છે. 15 તાલુકાનાં લોકોએ ઢોલ નગારા સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ અંગે આવેદન પણ આપ્યું હતું.

ડેમ અને આસપાસ ચાલતા ધોલાઈ ઘાટો અને પ્રોસેસ હાઉસ દ્વારા કેમિકલવાળું પ્રદુષિત પાણી બેફામ રીતે ડેમ છોડવામાં આવેલ છે. આ ગામનાં લોકો માટે પીવાનાં અને ખેતીની સિંચાઇનાં પાણીનો મોટો પ્રશ્ન ઉભો થયેલો છે.

લોકોને ચામડીનાં પણ અનેક રોગો થાય છે અને આ પાણીથી ખેડૂતોની જમીન બંજર બની રહી છે. તંત્રની ઉદાસીનતાથી સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો અને જેથી તેઓએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

મહત્વનું છે કે છાપરવાડી ડેમનાં પ્રદુષિત પાણીને લીધે આ ગામોમાં વિકટ પરિસ્થિતિ પણ ઉભી થયેલ છે. આ કલર કેમિકલવાળું પાણી લોકોનાં આરોગ્ય ઉપર પણ ભયંકર અસર કરે છે કે જે લોકો આ પાણી વાપરે છે તે લોકોને ચામડીનાં રોગો થાય છે. આ સાથે સાથે જો આ પાણી ખેતરોમાં વાપરવામાં આવે તો ખેડૂતોની જમીન પણ બંઝર બની જાય છે.

છેલ્લાં સતત 20 વર્ષથી ચાલતી આ પ્રદુષણની પાપલીલા બાબતે તંત્ર કોઈ પણ જાતનાં પગલાં લેતું નથી અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં અધિકારીઓ તો કાયમ પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી દે છે.

You might also like