રાજકોટઃ ભાદર ડેમમાં દૂષિત પાણી છોડવા મામલે ગ્રામજનો લેશે સામુહિક જળસમાધિ!

રાજકોટ: ધોરાજીમાં ભાદર ડેમમાં દૂષિત પાણી છોડવાનાં મામલે ભૂખી ગામનાં લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાની અધ્યક્ષતામાં આ આવેદનપત્ર આપ્યું છે. ભાદર ડેમમાં કેમિકલ ઠલવાતુ જો બંધ નહીં થાય તો ગ્રામજનો સામુહિક જળસમાધિ લેશે.

મહત્વપૂર્ણ છે કે, ભાદર ડેમમાં જેતપુર ડાઈંગ ધારકો દ્વારા કેમિકલ ઠલવાય છે. જેને લઈને ભૂખી ગામમાં ભયંકર રોગચાળો ફેલાઈ રહ્યો છે. અનેક લોકો ગંભીર રોગોથી પીડાઈ રહ્યાં છે.

ધોરાજીનાં ભાદર-2 માં જેતપુરના ડાઇંગ એકમોનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આગામી તારીખ 11 ઓગસ્ટના રોજ ભૂખી ખાતે પોતાના સમર્થકો સાથે જળસમાધિ લેવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ધોરાજીનાં ભાદર-2 ડેમમાં પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી ઠલવાવાનાં કારણે ડેમનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી. આ જળાશયનાં પાણીને ‘ઝેર’ બનાવનારા માલિકો સામે પ્રદૂષણ બોર્ડ જો પગલાં નહીં ભરે તો ૧ ઓગષ્ટે જળસમાધિ લેવાની પણ ધોરાજીનાં કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ ચીમકી આપી હતી.

મહત્વનું છે કે ડેમનાં પાણીનાં લાભકર્તા ગામોને ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે હરખાવાને બદલે ડેમનું પ્રદૂષિત પાણી જોઈને પણ છતે પાણીએ પાણી વગર રહીને સ્થાનિકોએ પ્રદૂષિત પાણીને લઇને રોવાનો વારો આવ્યો હતો.

You might also like