રાજકોટની નાઈટ લાઈફ પર પોલીસનું ગ્રહણ

ગુજરાતના દરેક શહેરનો એક મિજાજ છે અને તે તેની ઓળખ બની ગયો હોય છે. રાજકોટવાસીઓ બપોરે ઊંઘે છે અને રાત્રે મોડે સુધી જાગે છે અને સવારે પણ મોડા ઊઠે છે. તેમના આ મૂડને કારણે રાજકોટમાં મોડી રાત સુધી લોકો ટહેલતાં જોવા મળે છે. સાંજે વાળુ-પાણી કર્યા બાદ રાત્રે પરિવારના સભ્યો સાથે ફરવા નીકળે છે, આથી જ રાજકોટને રંગીલું શહેર કહેવામાં આવે છે. રાત્રિના બાર વાગ્યા પછી પણ રાજકોટના રેસકોર્સ સહિતના મુખ્ય વિસ્તારો પર લોકોનાં ટોળાં ફરતાં હોય ત્યારે આવા વિસ્તારો પિકનિક સ્થળ જેવા લાગે છે. રાજકોટની નાઈટ લાફટની એક રોનક છે, પરંતુ આ રોનક ઝાંખી પડી રહી છે.

વાત એમ છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ અનુપમસિંહ ગેહલોતે સંભાળ્યા બાદ તેમણે રાત્રે ૧૧ વાગ્યા પછી દુકાનો, લારી-ગલ્લા બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી. આથી પોલીસ દંડા પછાડીને ખાણીપીણીના ધંધા બંધ કરાવે છે. ગુનેગારો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા થતી કાર્યવાહીમાં કોઈને વાંધો હોઈ શકે નહીં, પરંતુ પોલીસની આ ઝુંબેશથી રાજકોટની રાત્રિરોનક ઝાંખી પડી છે.

રાજકોટવાસીઓનો સૂર છે કે પોલીસે ખરા અર્થમાં ગુંડાગીરી બંધ કરાવવી હોય તો અનેક રસ્તા છે, આ રીતે ધંધા બંધ કરાવવાથી તો પરેશાની વધશે. રાજકોટ શહેરનો મિજાજ નહીં બદલાય. અત્યાર સુધી રાત્રિબજાર પર નભતા કેટલાક વેપારીઓને તો પોલીસની આ ઝુંબેશથી પોતાનો ધંધો ચોપટ થઈ રહ્યાનું લાગી રહ્યું છે.

You might also like