VIDEO: રાજકોટ મનપાનાં ડ્રાઇવરની ગંભીર બેદરકારીથી સફાઈકર્મીનું મોત, ઘટના CCTVમાં કેદ

રાજકોટઃ શહેરમાં રૈયા વિસ્તારમાં મનપાનાં સફાઈકર્મીનું એક અકસ્માતમાં મોત થયું છે. ટીપરવાનનાં ડ્રાઈવરની બેદરકારીનાં કારણે આ સફાઈકર્મીનું મોત થયું છે. ટીપરવાનનો કર્મચારી ડ્રાઈવર લાયસન્સ વિના ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને તે એકાએક રીવર્સ લેતી વેળાએ સફાઈકર્મી કચડાયો હતો. ત્યારે ઘટના સ્થળે જ તે સફાઈકર્મીનું મોત થયું હતું. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં એક સફાઇ કર્મચારીને મહાનગરપાલિકાની એક વાને ચગદી નાખતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેથી પોલીસ પણ આ ઘટનાને લઇને દોડતી થઇ ગઇ હતી અને બાદમાં તેનાં મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

મહત્વનું છે કે આ ઘટનાને લઇને વાલ્મિકી સમાજમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો હતો અને હોસ્પિટલ ખાતે અનેક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં પરંતુ તેઓએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી. જો કે અંતે મનપા દ્વારા મૃતકનાં પરિવારનાં સભ્યને નોકરી આપવાની માંગ સ્વીકારવામાં આવતા તેઓનાં મૃતદેહને સ્વીકારી લેવાયો હતો.

ટીપરવાનનાં આ ડ્રાઇવર પાસે લાયસન્સ ન હોવાં છતાં પણ તેને નોકરી પર રાખવામાં આવ્યો હતો. જેથી મનપાની આ બેદરકારીને કારણોસર જ મોત થયું હોવાનાં આક્ષેપો થયાં હતાં. જો કે પોલીસે હવે ટીપરવાનનાં ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવા વધારે તજવીજ હાથ ધરી છે.

You might also like