રાજકોટમાં મધ્યાહન ભોજનનો જથ્થો વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ, 5ની અટકાયત

રાજકોટઃ રંગીલું ગણાતું રાજકોટ હવે કૌભાંડ નગરી બની ચૂક્યું છે. શહેરમાંથી સમયાંતરે એક પછી એક કૌભાંડો સતત સામે આવી રહ્યાં છે. ત્યારે નાના-નાના ભૂલકાઓને આપવામાં આવતા મધ્યાહ્નન ભોજન મામલે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં આ માટે આપવામાં આવતું અનાજ બારોબાર વેચી નાખવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સમગ્ર ગુજરાતમાં મધ્યાહ્નન ભોજન યોજનાનો કોન્ટ્રાક્ટ સરકાર દ્વારા એક NGOને આપવામાં આવ્યો છે. જેનાં દ્વારા આ અનાજ બારોબાર વેચી નાખવામાં આવતું હોવાની બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે રાજકોટ શહેરનાં લીમડા ચોક નજીક આવેલા મધ્યાહ્નન ભોજન કેન્દ્ર પર દરોડા પાડ્યાં હતાં. જેમાં શંકાસ્પદ 2 ટ્રકોમાંથી અનાજ જપ્ત કરીને 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

રાજકોટનાં મધ્યાહન ભોજન સેન્ટરમાં NGO દ્વારા રાત્રીનાં બે વાગ્યાની આસપાસ આ જથ્થો કઇ જગ્યાએ લઇ જવામાં આવતો હતો તે પણ એક મોટો સવાલ છે. જો કે હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા 100 કટ્ટા ઘઉં અને 50 કટ્ટા ચોખા કબ્જે કરીને સીલ કરવામાં આવ્યાં છે અને જિલ્લા પુરવઠા વિભાગને પણ જાણ કરવામાં આવી છે અને ઝડપાયેલાં 5 શખ્સોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં મોટું કૌભાંડ ખુલવાની શકયતાઓ જણાતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You might also like