રાજકોટના ત્રિકોણબાગમાં શૉ રૂમ પાસે કારમાંથી રોકડ-દાગીના મળી 47 લાખની ચોરી

રાજકોટના ત્રિકોણબાગ પાસે ગેસફોર્ડ રોડ પર આવેલ જોયાલુક્કાસ શો રૂમ સામે એક કારમાંથી વેપારીની નજર ચૂક કરી બે અજાણ્યા શખ્સો દોઢ લાખની રોકડ અને સોનાના દાગીના મળી 47 લાખ રૂપિયાની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.

રાજકોટ શહેરના 24 કલાક ધમધમતા ત્રિકોણબાગ પાસે ગેસફોર્ડ રોડ પર તારીખ 23 સપ્ટેમ્બરના સાંજે 7 વાગ્યે હિતેષભાઇ જમનાદાસ ફડેસીયા પોતાની કાર લઈને જોયાલુક્કાસ શો રૂમ પર આવ્યા હતા અને શો રૂમનો સમય જાણ્યા બાદ ચાલ્યા ગયા હતા.

હિતેષભાઇ જ્યારે પોતાની કારમાં બેઠા હતા ત્યારે કારના એક તરફના દરવાજા પાસે એક અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને તમારા પૈસા પડી ગયા છે તેવું કહ્યું હતું, ત્યારે તો હિતેષભાઈએ ધ્યાન ન આપ્યું પરંતુ કારના બીજા દરવાજા પાસે બીજો અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો અને તમારા પૈસા પડી ગયા છે તેવું કહેતા હિતેષભાઇ કારમાંથી નીચે ઉતર્યા હતા.

તેમના બહાર નીકળ્યા બાદ કારની પાછળની સીટ પર પડેલો થેલો ગાયબ હતો. આ મામલે હિતેષભાઈએ હાલ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં રૂપિયા 47 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ બાદ સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જો કે તપાસમાં કંઈ હાથ લાગ્યું ન હતું.

You might also like