રાજકોટ-જૂનાગઢ હા‍ઈવે પર વડાલ ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

અમદાવાદ: રાજકોટ-જૂનાગઢ હાઈવે પર વડાલ ચોકડી પાસે અાજે વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત સાત યાત્રાળુઓનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૧૫થી વધુને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી ચારની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

જેતપુર નજીક અાવેલા વાડસરા ગામના રહીશો લકઝરી બસ કરી યાત્રાએ નીકળ્યા હતા. હરદ્વાર, ગોકુળ, મથુરા, વૃંદાવન તમામ સ્થળે યાત્રા કરી ૫૦ જેટલા યાત્રાળુઓ લકઝરી બસમાં પરત ફર્યા હતા. અા તમામ યાત્રાળુઓ અાજે સવારે જૂનાગઢના દામોદરકુંડમાં છેલ્લું સ્નાન કરી યાત્રા સંપન્ન કરવાના હતા.

યાત્રાળુઓ ભરેલી બસ અાજે સવારે પાંચ વાગ્યે રાજકોટ-જૂનાગઢ હાઈવે પર વડાલ ચોકડી પાસે અાવેલી હોટલ નજીક રોડ પર પાર્ક કરવામાં અાવી હતી અને તમામ યાત્રાળુઓ બસમાંથી નીચે ઊતરી ચા-પાણી કરી રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે અાવેલી ટ્રક અાગળ ઊભેલી બસની પાછળ ઘૂસી જતાં અા ગમખ્વાર ઘટના બની હતી, જેમાં સાત યાત્રાળુઓ કાળનો કોળિયો બની ગયા હતા, જેમાં કાનજી નાથા હીરપરા (ઉં.વ.૪૫), શાંતિ માધા ડોબરિયા (ઉં.વ.૫૦), પ્રભાબહેન દેવજીભાઈ વાળંદ (ઉં.વ.૬૦), ચંદુ નાનજી ચૌહાણ (ઉં.વ.૪૫), પ્રશાંત કુરજી ત્રાડા (ઉં.વ.૩૫), જાદવ પુના રાઠોડ (ઉં.વ.૬૦) અને ભીખુભાઈ ડાહ્યાભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં અાવ્યા છે.

You might also like