રાજકોટ ચેમ્બરમાં સમીર શાહની રિએન્ટ્રીથી ગરિમા વધી કે ઘટી?

એક સમયે રાજકોટ મહાજનની ગરિમા એવી હતી કે સરકારમાં તેની ધાક રહેતી હતી. પ્રમોદ કલ્યાણી, વજુભાઈ માવાણી  હીરાભાઈ માણેક જેવા આગેવાનો ચેમ્બરની ધુરા સંભાળતા હતા ત્યારે રાજકોટના શહેર અને વેપારીઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવતી હતી તો તેનું એક વજન રહેતું હતું. પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજકોટના વેપારીઓમાં કાવાદાવા શરૂ થયા છે. રાજકોટ ચેમ્બરની ચૂંટણી હોય તો જાણે કોર્પોરેશનની કે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જામે છે. રાજકોટ ચેમ્બર વધુ એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ચર્ચાનું કારણ એ છે કે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ સમીર શાહ પર તેની જ પેઢીના એક મેનેજર દક્ષિણીની હત્યાનો આરોપ છે. આ આરોપને કારણે જ ચેમ્બરના પ્રમુખપદેથી તેમણે રાજીનામું આપ્યું હતું.

સમીર શાહ આ હત્યાના આરોપને લઈને જેલમાં ગયા હતા. હાલ તેઓ જામીન પર છૂટ્યા છે. જામીન પર છૂટ્યા બાદ ફરી રાજકોટ ચેમ્બરના પ્રમુખ બનવા તેમણે કવાયત શરૂ કરી અને તેઓ સફળ થયા છે. ચેમ્બરના બંધારણ મુજબ માત્ર એકાદ મહિના માટે જ તેઓ પ્રમુખ રહી શકશે કારણ એપ્રિલ પહેલાં નવી ચૂંટણી થશે. સમીર શાહ જોકે હવે પછી ચૂંટાયા વગર પૂર્વ પ્રમુખના નાતે કારોબારીમાં સભ્ય રહી શકશે. સમીર શાહ ફરી ચેમ્બરના પ્રમુખ બનવાની સાથે જ નૈતિકતા અને મહાજનની ગરિમાને લઈને સવાલો ઊભા થયા છે. રાજકોટ ચેમ્બરના સેક્રેટરી ઉપેન મોદી અને કારોબારી સભ્ય સુનીલ વોરાએ આ ઘટનાથી વ્યથિત થઇને રાજીનામાં આપી દીધાં છે. તેમનું કહેવું છે કે એક સમયે ચેમ્બરનો સુવર્ણકાળ હતો. હવે ચેમ્બરની ઈમેજને દાગ લગાડતી ઘટનાઓ બની રહી છે તેની સામે હવે વેપારીમિત્રોને જાગવાનો સમય આવી ગયો છે. બસ, હવે બહુ થયું!
http://sambhaavnews.com/

You might also like