ઉદ્યોગપતિઓનું `સફેદ’ કારનામું, ભાદર નદીનાં પાણીમાં ઝેરી કેમિકલ ભેળવાતા ઉડ્યાં ફીણનાં ગોટેગોટાં

રાજકોટઃ શહેરનાં જેતપુરનાં સાડી ઉદ્યોગનાં સંચાલકો જાણે કે ભાદર નદીને તો ગટર સમજી રાખી છે. પરિણામે ભાદર નદીમાં વહેતું મીઠું જળ હવે એક ભૂતકાળ બની ગયેલ છે. ભાદર નદી માત્ર કેમિકલ વહાવતું એક વહેણ બની ગયું છે.

પરિણામે નદીઓનાં કાંઠાની ખેતીની જમીનો વાંઝણી બની રહી છે. ખેડૂતો પણ સાથે સાથે પાયમાલ બની રહ્યાં છે. થોડાંક મહિના પહેલા ભાદર નદીનાં પ્રદૂષણને જન પ્રતિનિધિઓ અને પ્રજાનાં દિમાગમાં લગાડાયેલી આગ આજે ઓલવાઈ ગઈ છે અને પાણીનાં પાપીઓને નદી મેલી કરવા મોકળું મેદાન મળ્યું છે.

નદી પરનાં ચેકડેમનાં આ પાણી પર જોવા મળતાં ફીણનાં ગોટેગોટાં પાણીમાં ભળેલાં ઝેરી કેમિકલની ચાડી ખાય છે. આ દ્રશ્યો સરદારપુરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદી પરનાં ચેકડેમનાં પાણીનાં છે. જળ પ્રદૂષણની સ્થિતિ હાલમાં સતત યથાવત્ છે. ધારાસભ્ય લલિત વસોયાએ ડેમમાં જળ સમાધિનો કાર્યક્રમ આપીને સરકાર અને સ્થાનિક તંત્રની આંખ ઊઘાડવા માટેનો પણ પ્રયાસ અગાઉ કર્યો હતો.

સરદારપુર ગામ બન્યું પ્રદૂષણનું ભોગઃ
જેતપુરથી 20 કિમી દૂર આવેલું સરદારપુર ગામ હાલમાં સંપૂર્ણ પ્રદુષણનો ભોગ બન્યું છે. ગામ પાસેથી પસાર થતી ભાદર નદી ઉપર બનાવેલ ચેક ડેમ પણ સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ ચૂકેલ છે. ડેમને જોતાં જ જાણે કે તેની ઉપર બરફની એક ચાદર પથરાઇ ગઇ હોય તેવું જોવા મળ્યું છે. જો કે હકીકતમાં ડેમનું પાણી પ્રદૂષિત હોવાંને કારણોસર કેમિકલનાં ફીણ ચારે તરફ ઉડતા જોવા મળે છે.

You might also like