રાજકોટમાં ISIનું સ્લીપર સેલ કાર્યરત ? જાસૂસ ૧૦ વર્ષથી ભિખારીના વેશમાં હતો …

અમદાવાદ: હરિયાણાના અંબાલામાંથી વિવિધ નકશા, દૂરબિન સહિતની શંકાસ્પદ ચીજવસ્તુઓ સાથે પકડાયેલા આઇએસઆઇનો મૂકબધિર જાસૂસ અસલમ હતો. જે છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રેલવે સ્ટેશન આસપાસ ભિક્ષુકના સ્વાંગમાં રહેતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેને લઈને રાજકોટમાં સ્લીપર સેલ કાર્યરત હોવાની શંકા સેવાઈ રહી છે.

મૂક, બધિર જાસૂસના અમદાવાદના એક શખ્સ સાથે કનેકશન ખૂલ્યા છે. આ જાસૂસ મૂકબધિર હોય તો તે અન્ય વ્યક્તિઓ સાથે કઈ રીતે સંપર્કમાં રહેતો અને સંદેશાની આપ-લે કઈ રીતે હતો તે તપાસનો વિષય બન્યો છે. કોમી એખલાસ ધરાવતા રાજકોટમા આઇએસઆઇ એજન્ટના સંપર્ક ખૂલતા શહેરમાં સ્લિપર સેલ કાર્યરત હોવાની પ્રબળ શંકાથી તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ધોરાજીનો શાઈદો તથા ભાવનગરનો ભૂતપૂર્વ આર્મીમેન ઈન્દ્રવદન આઈએસઆઈની જાસૂસી કરતા ઝડપાઈ ગયા હતા. એટલે કે, આઈએસઆઈના મૂળિયા સૌરાષ્ટ્રમાં પહેલેથી જ નંખાયેલા છે.

કેન્દ્રીય એજન્સીઓએ કરેલ સઘન પૂછપરછમાં અસલમ છેલ્લા કેટલાય વર્ષથી રાજકોટમાં જામનગર રોડ પર સાંઈબાબાના મંદિર પાસે ભિક્ષાવૃત્તિ કરતો હોવાની તેમજ અમદાવાદના એક શખ્સ સાથે સતત સંપર્કમાં હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી હતી. તે રૂખડિયા હનુમાન વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર આસપાસ પણ આંટાફેરા કરતો હોવાનું જાણવા મળ્યું છે. અસલમ વિશે માહિતી મેળવા એટીએસ અને સેન્ટ્રલ આઈબીને જાણ કરવામાં આવી હતી.

જો કે, સેન્ટ્રલ આઈબીના અધિકારીએ રાજકોટ એસઓજીની ટીમને સાથે રાખીને અસલમની રજેરજની વિગત એકત્ર કરતા અસલમ ૧૦ વર્ષથી જંકશન રેલ્વે સ્ટેશન પાસે રહેતો હોવાનું ખૂલ્યું છે. એસઓજીના પીઆઈ ડી.વી. બસિયાએ ટીમને સાથે જંકશન વિસ્તારમાં અસલમના ફોટા દેખાડીને તેના વિશે જાણકારી મેળવવા પ્રયાસ શરૃ કરતા રેલવે સ્ટેશનની અંદરના તમામ સ્ટોલધારક તેમજ સ્ટેશનની સામે દુકાન ધરાવતા મોટાભાગની વેપારીઓ અને લારી, ગલ્લાવાળાએ અસલમનો ફોટો ઓળખી બતાવ્યો હતો.

અસલમના ફોટાને ઓળખી બતાવનાર લોકોના કહેવા મુજબ, અસલમ મૂકબધિર છે. તેની ઉંમર આશરે ૨૪-૨૫ વર્ષની છે.  છેલ્લા દસેક વર્ષથી આ વિસ્તારમાં પડયો પાથર્યો રહેતો. છૂટક મજૂરી તેમજ ભિક્ષાવૃત્તિ કરતો અસલમ જંકશન વિસ્તારમાં સાંઈબાબાના એક નાનકડા મંદિર પાસે વધુ સમય પસાર કરતો.

You might also like