સર્જીકલ સ્ટ્રાઇકની વાત સાંભળી હસતા મોઢે લાન્સ નાયકે લીધા અંતિમ શ્વાસ

નવી દિલ્હી : ઉરી હૂમલાનાં વધારે એક ઘાયલ જવાન શહીદ થયા હતા. ઉરી હૂમલામાં ગંભીર રીતે ઘાયલ લાન્સ નાયક રાજકિશોર સિંહે સર્જીકલ સ્ટ્રાઇક અંગેના સમાચાર સાંભળ્યા બાદ પોતાનો દેહ છોડ્યો હતો. જાણે બદલો લેવાની ભાવના સાથે જ જીવી રહ્યા હોય અને સરકારનાં પગલાથી ખુશ થયા હોય તે રીતે સમાચાર સાંભળ્યાનાં ગણત્રીનાં કલાકોમાં જ તેઓએ હસતા મોઢે વિદાય લીધી હતી.

આ સાથે જ ઉરી હૂમલામાં કુલ 19 જવાનો શહીદ થઇ ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 18મી સપ્ટેમ્બરે આતંકવાદીઓએ ઉરી બેઝ કેમ્પમાં હૂમલો કર્યો હતો. ટેન્ટ્સમાં આગ લાગતા જવાનોએ વળતી કાર્યવાહી હાથ ધી હતી. ત્યારે આતંકવાદીઓએ નિશસ્ત્ર જવાનો પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બિહારનાં ભાગલપુરનાં હવલદાર અશોકસિંહ સહિત 16 અન્ય જવાનો શહીદ થયા હતા. સાથે જ લાન્સ નાયક રાજકિશોર સિંહને પણ ગોળી વાગી હતી.

લાન્સ નાયકને સારવાર અર્થે નવી દિલ્હી આર્મી રિસર્ચ એન્ડ રેફલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે સમયે તેમણે કમાન્ડરને કહ્યું કે સાહેબજી દુશ્મનોએ દગાથી માર્યો વેર વાળી લીધું હોત તો અફસોસ ન રહેત. બુધવાર સુધી દિલ્હીની હોસ્પિટલમાં રાજકિશોર સિંહની સારવાર ચાલી રહી હતી. જ્યારે પણ ભાન આવ્યું ત્યારે આ જવાને તબીબોને પહેલો સવાલ પુછ્યો હતો કે ઉરી હૂમલા બાદ શું થયું ? શું આપણે ઉરી હૂમલાનો બદલો લીધો.

You might also like