મુક્તિના અાદેશ બાદ તલવાર દંપતીઅે જેલમાં પોતાની વસ્તુઅો દાનમાં અાપી

ગાઝિયાબાદ: અારુષિ હેમરાજ હત્યાકાંડમાં ડાસના જેલમાં અાજીવન કેદની સજા કાપી રહેલાં માતા-પિતા ડો. રાજેશ તલવાર અને ડો. નૂપુર તલવારે ગુરુવારે હાઈકોર્ટમાંથી મુક્ત થયાના અાદેશ બાદ શુક્રવારે જેલમાં તમામ વસ્તુઅોનું દાન કરી દીધું. ડો. નૂપુર તલવારે લગભગ ચાર વર્ષની જેલ દરમિયાન જેલમાં મેળવેલી તમામ વસ્તુઅો જેલ અને કેદીઅોને દાનમાં અાપી દીધી. ડો. નૂપુરે ચિકિત્સા સંબંધી અને અન્ય કામ ન કર્યાં પરંતુ ડો. રાજેશે કેદીઅોનો ઉપચાર કર્યો. જો કે અા બંનેની મુક્તિ હજુ સોમવાર સુધી નહીં થઈ શકે. નૂપુરે શુક્રવારે સવારનો મોટા ભાગનો સમય પૂજા પાઠ અને કેદીઅો સાથે વાતચીતમાં વિતાવ્યો. જ્યારે ડો. રાજેશ પોતાના નિર્ધારિત સમયે પોતાના ૧૦ વાગે ડેન્ટલ કેર પર અાવીને બેસી ગયા.

સામાન્ય દિવસોની સરખામણીઅે ભીડ પણ વધારે હતી. ડો. રાજેશે ૩૬ દર્દીઅોનો ઉપચાર કર્યો. તલવાર દંપતીઅે ૧૫ લાખ રૂપિયા ખર્ચીને જેલમાં ડેન્ટલ કેર સેન્ટર બનાવ્યું હતું. જેમાં તેઅો રોજ પોતાના ખર્ચથી કેદીઅોનો ઉપચાર કરતા હતા. શુક્રવારે તેમણે જેલ પ્રસાસન સાથે વાત કરીને મોંઘી ડેન્ટલ ચેરની સાથે અન્ય તમામ મેડિકલ ઉપકરણ જેલને દાનમાં અાપી દીધાં. લગભગ ચાર વર્ષના સમયગાળામાં ડો. નૂપુરે જેલમાં પરિવારજનો સાથે અંગ્રેજીના ૧૧૩ નોવેલ મંગાવી હતી. અા તમામ નોવેલ લાઈબ્રેરીને અને બે ડઝન જેટલાં કપડાં કેદીઅોને દાન કરી દીધાં.

ગુરુવારે રાત્રે જમી ન શક્યાં
તલવાર દંપતીઅે ગુરુવારે ચુકાદો અાવ્યા બાદ રાત્રે ખાવાનું ન ખાધું. મોડી રાત સુધી જાગ્યા અને બેરકમાં બંધ અન્ય કેદીઅો સાથે વાતચીત કરતાં હતાં. શુક્રવારે સવારે જેલમાંથી છૂટવાની અાશા સાથે તેઅો વહેલા ઊઠી ગયાં. દૈનિક દિનચર્યા બાદ તેમણે યોગ વ્યાયામ અને પૂજા પાઠ કર્યા. નાસ્તામાં તેમણે ચા અને પાઉં ખાધાં. ડો. નૂપુર પોતાની બેરેકમાં જતાં રહ્યાં અને ડો. રાજેશ ક્લિનિક પર જઈને બેઠા. બપોરે તેમણે લાઈનમાં અાવીને જમવાનું લીધું. બપોરે તેમણે દાળ શાક, રોટી અને ભાત ખાધાં. બીજી તરફ જેલ હોસ્પિટલના સીએમએસ ડો. સુનીલ ત્યાગીઅે જણાવ્યું કે તલવાર દંપતીઅે જેલ પ્રસાસન સાથે વાયદો કર્યો છે કે તે દર ૧૫મા દિવસે જેલ હોસ્પિટલમાં વિઝિટ કરશે અને કેદીઅોનું ચેકઅપ કરશે. મુરાદનગર સ્થિત અાઈટીઅેસ ડેન્ટલ કોલેજના ડોક્ટર પણ અઠવાડિયામાં બે વાર ડેન્ટલ કેરની વિઝિટ લેશે.

You might also like