જાણો કેમ વ્રજની પિછવાઇ કલાના કલાકારો શ્રીનાથજી બાવા સાથે આવેલા રાજસ્થાન…..

વ્રજલીલાની મૂક સાક્ષી પિછવાઈની સૌ પ્રથમ શરૂઆત શ્રીવલ્લભનંદન શ્રીગુંસાઈજી પ્રભુચરણના શ્રી હસ્તે થઈ હતી. પુષ્ટિમાર્ગનાં સંગીત અને સાહિત્યની સાથે પિછવાઈ કલાએ પણ સમસ્ત સમાજને પ્રભાવિત કરેલું છે. પિછવાઈ કલામાં રાજસ્થાનના શ્રીનાથદ્વારા ને કમલવનની ઉપમા મળેલી છે.

ઇતિહાસ બતાવે છે કે મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસથી થાકી જઈને રાજ્યાશ્રય મેળવવાની આશાએ વ્રજની પિછવાઈ કલાના કલાકારો શ્રીનાથજી બાવા સાથે રાજસ્થાન આવેલા. પિછવાઈ કલાકારોને રાજસ્થાનમાં રાજ્યાશ્રય મળતાં જ શ્રીજીબાવા અને શ્રી વલ્લભ કુલના આશીર્વાદ સાથે પિછવાઈ કલા આસમાનમાં લહેરાવા લાગી.

સૂકી મરુભૂમિ હોવા છતાં રાજસ્થાનમાં જીવનનાં ઘણા બધા રંગો સમાયેલા છે. રાજસ્થાનનાં પિછવાઈ કલાકારો પોતાની પિછવાઈમાં રંગોનું મિશ્રણ નથી કરતાં બલકે વિવિધ રંગોનો સમન્વય કરી જગતને બનાવનાર જગદીશ્વરને પિછવાઈમાં પ્રગટ કરે છે. રાજસ્થાનમાં નાથદ્વારા શૈલી, મારવાડ શૈલી, બુંદી શૈલી, કોટા શૈલી, કિશનગઢ શૈલી, મેવાડ શૈલી, અલવર શૈલી, જયપુર શૈલી, મુખ્ય છે.

પિછવાઈ કલાનાં ચિત્રોના સર્જનમાં લાલ, પીળા, નીલા, લીલા જેવા રંગોનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હલ્દી, સિંદૂર, ગેરુ, પારિજાતનાં ફૂલો, વૃક્ષોનાં છાલ અને પાંદડાંઓ, કંદમૂળોમાંથી બનાવેલા કુદરતી રંગો, સોના તથા ચાંદીનું પ્રવાહી, મોતી, હીરા, માણેક, નીલમ, પન્ના, મીનરલ પાણી, માટી, અને રત્નો, જડતર, રેશમી દોરા આ ઉપરાંત લાખ, કાજળ અને સફેદો જેવા પદાર્થો વગેરેનો ઉપયોગ નાનામોટા પ્રમાણમાં થાય છે.

આજથી ૪૦૦ થી ૫૦૦ વર્ષ પહેલાં વૃક્ષોમાંથી બનતા કાગળ અને ભોજપત્રો વધુ પ્રમાણમાં ઉપલબ્ધ ન હોઇ સૂતર તેમજ રેશમી કપડાંઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનો ઉપયોગ પરંપરાગત રીતે થાય છે. પિછવાઈ કલા એ વૈષ્ણવ સંપ્રદાયની વિશિષ્ટ અને આસ્થાપૂર્ણ ચિત્રશૈલી મનાય છે.

હવેલીઓમાં પ્રત્યેક દર્શન ને માટે અને ભક્તોના મનમાં એક વિશિષ્ટ ભાવ સ્થિતિ ઉત્પન્ન કરવા માટે શ્રી ઠાકુરજીનાં વિવિધ સ્વરૂપોની પિછવાઈ બનાવવામાં આવે છે. દા.ત બાલકૃષ્ણની સાથે વાત્સલ્યભાવમાં પૂર્ણ રીતે રંગાયેલા માતા યશોદા, ગ્વાલબાલ સખાઓ સાથે ખેલી રહેલા કૃષ્ણ અને રાગ રાગિણી, ગીત ગોવિંદ, ષષ્ઠ ઋતુ મનોરથ, ગોપીઓ સાથે બંસુરી બજાવીને વૃંદાવનને મંત્રમુગ્ધ કરી રહેલા મુરલી મનોહર, રાસલીલા, ઝુલામાં ઝુલતાં ઝુલેલાલજી જોઈને પુષ્ટિ અને મર્યાદા માર્ગિય વૈષ્ણવોના મન પિછવાઈ પર ઉપસાવેલા પ્રત્યેક ચિત્રોના ભાવોમાં જીવંત બની જાય છે.

પુષ્ટિમાર્ગમાં દ્વાપર યુગમાં પ્રગટ થયેલા શ્રીકૃષ્ણાવતારમાં વ્રજભૂમિમાં પ્રગટ થયેલ શ્રીનંદબાબા, માતા યશોદાજી, વ્રજવાસીઓ, વનસ્પતિ, ગાય, માંકડાં આદિ વ્રજજીવો, શ્રી ગિરિરાજજી સહિત સર્વ પનઘટ અને કુંડો, આભૂષણ અને વસ્ત્ર સેવા, સિંહાસન, ખંડપાટ, પિછવાઈ, નિજ મંદિર, ધ્વજાજી, સામગ્રી, નિત્ય થતો સેવાપ્રકાર, વર્ષાન્દિક ઉત્સવો, શયન પાટ, હિંડોળા, ઝારી, બંટાજી આદી સર્વ લીલા સામગ્રી પદાર્થ અલૌકિક અને સ્વરૂપાત્મક છે.

પુષ્ટિ માર્ગીય હવેલીઓમાં ઉપયોગમાં લેવામાં આવતી પિછવાઈઓ પ્રતિ દિનના દર્શન, પર્વો તેમજ ઋતુઓ અનુસાર બદલાતી હોય છે.

શ્રીનાથદ્વારાની પિછવાઈમાં શ્રીનાથજી બાવા સ્વયં, શ્રીકૃષ્ણ લીલા, શ્રીકૃષ્ણ અને માતા યશોદા તથા બાલ સખાઓ, ગોચારણ લીલા, છાક લીલા, અસુર સંહાર, ગોપ અને ગોપીઓ સાથેની વિભિન્ન ખેલ ક્રીડાઓ, શ્રી ગિરિરાજજી અને ગિરિરાજ્જીની લીલાઓ, માખણચૂરૈયા બાલ કનૈયા, રાસલીલા, પનઘટ લીલા, નૌકા વિહાર, હોળીત્સવ, શ્રીકૃષ્ણ અને ષષ્ઠ ઋતુઓ, શ્રીજીબાવા અને અષ્ટયામનાં દર્શન, શાકઘર, પાનઘર, કૃષ્ણ ભંડાર, ફૂલઘર, દૂધઘર, નગારાખાના અને રાગ રાગિણીઓ, દ્વારિકાલીલા, શ્રી કૃષ્ણનો ગોવર્ધન યાગ (અન્નકૂટ મહોત્સવ) વગેરેને મહત્વ અપાય છે.

હવેલીઓમાં, ઘરોમાં શ્રી કૃષ્ણલીલાને સાકાર સ્વરૂપ આપતી પિછવાઇને વ્રજલીલાનાં પ્રતીક સ્વરૂપે માનવામાં આવે છે. શરદપૂર્ણિમા દરમ્યાન રાસલીલાની પિછવાઇ લગાવવામાં આવે છે. રાસ એટલે કે જેટલી પણ લીલા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી છે તે તમામ લીલાઓમાં જે લીલા સૌથી વધુ રસપૂર્ણ છે તે રાસ કહેવાય છે.

શ્રીમદ્ ભાગવતનો દશમ સ્કંધ એ શ્રીમદ્ ભાગવતનાં હ્દય સ્વરૂપે અને રાસલીલાએ પ્રાણરૂપ છે, કારણ કે રાસલીલાની ગોપીઓ જીવાત્માનાં પ્રતીક રૂપે છે અને શ્રી કૃષ્ણએ પરમાત્માનાં પ્રતીક રૂપે છે. રાસલીલાનાં રાસ દરમ્યાન જીવનું પોતાના પરમાત્મા સાથે મિલન થાય છે અને આ વાત સાંકેતિક રૂપથી પિછવાઇમાં બતાવવામાં આવે છે.

તે જ રીતે દાન લીલાના દિવસો દરમ્યાન દાણની પિછવાઈ લગાવવામાં આવે છે. શ્રી ઠાકોરજી દાણ માગી રહ્યા છે એટલે કે શ્રી ઠાકોરજી ગોપીઓ પાસેથી પ્રેમ અને ભાવ માગી રહ્યા છે. દાણ દ્વારા શ્રી ઠાકોરજી કહે છે કે હું તારી પાસે આવ્યો છું, તો મારી ઉપર તારો સમસ્ત પ્રેમ ભાવ ન્યોછાવર કરી દે.

જીવની ભગવદરૂપમાં પ્રીતિ થાય તે હેતુથી શ્રી ઠાકુરજી સામે ચાલીને પોતાના દાણનાં રૂપમાં દહીંના દાન માગે છે અને દહીંના દાણ માગ્યા છે તેના બે મુખ્ય કારણ છે પહેલું કારણ એ છે કે દહીં એ સ્નેહનું પ્રતીક છે અને બીજું કારણ એ છે કે વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દહીં સાથે સરખાવવામાં આવી છે.

દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતીક છે અને શ્રીઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે.

માખણ ચોરીની લીલાની પિછવાઇમાં બતાવે છે કે શ્રી ઠાકુરજી માખણની સાથે સાથે ગોપીઓનાં સરળ મન અને ચિત્તની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજભક્તો ઉપર કૃપા કરે છે. નંદોત્સવની પિછવાઇ દર્શાવે છે કે ભાવ અને ભક્તિનો પ્રાદુર્ભાવ થયો છે. વસંતોત્સવ દરમ્યાન હોરી ખેલની પિછવાઈ લગાવવામાં આવે છે.

કામદેવનાં પણ કામદેવ એવા શ્રીઠાકુરજીએ આ ઉત્સવના અધિદેવતા છે, સફેદ પિછવાઈમાં કેસરનાં છાંટણા કરીને અબીલ ગુલાલથી છાપ પાડવામાં આવે છે અને દર્શાવે છે કે શ્રીઠાકુરજીનાં આવવાથી વૈષ્ણવોનું જીવન કેટલું રંગબેરંગી અને કલાત્મક થઇ જાય છે.

હોળીના દિવસોમાં શ્રી ઠાકુરજી હોળી અને ધૂળેટીના રંગોથી સખાઓ અને સખીઓ સાથે રમે છે. દિવાળી અને ગોવર્ધન પૂજાના સમયે અન્નકૂટની પિછવાઈ લગાવવામાં આવે છે આ પિછવાઈમાં પ્રભુ બતાવે છે કે તું મને તારી ક્ષમતા મુજબ જે પણ રસ આપશે તેનો હું સહર્ષ સ્વીકાર કરીશ બસ મને તારી અંદર રહેલા તમામ ભાવો રૂપી રસો અર્પણ કરી દે.

આજ રીતે પ્રબોધિનીમાં વિવાહ ખેલની પિછવાઈ ઉપયોગમાં લેવાય છે. જે જીવનું પોતાના પરમાત્મા સાથેનાં માધુર્ય ભાવનું પ્રતીક છે.•

You might also like