રાજસ્થાનના સરપંચ નરોડા પાટિયામાં લૂંટાયા

અમદાવાદ: શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે રાજસ્થાનના સરપંચને મારીને લુંટી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. રાજસ્થાનની ટિકિટ બુક કરાવવા માટે સરપંચ આવ્યા હતા. ત્રણ યુવકે તેમની પર હુમલો કરીને 50 હજાર રૂપિયાની સોનાની ચેઇન લૂંટીને ફરાર થઇ ગયા હતા.

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં આવેલ જાટોકા ગામમાં રહેતા અને ગામના સરપંચ એવા મૂકેશકુમાર ચતુરભુજ ચૌધરીએ નરોડા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મૂકેશકુમારને ગામમાં આઇસક્રીમનો પ્લાન નાખવાનો હોવાથી મશીન ખરીદવા માટે ગઇ કાલે સવારે અમદાવાદ આવ્યા હતા. મૂકેશકુમારનો ફુવાનો છોકરો કૃષ્ણનગરમાં રહેતો હોવાથી તેઓ સીધા તેના ઘરે ગયા હતા અને ત્યારબાદ મશીન ખરીદવા માટે ગયા હતા. મોડી રાતે મૂકેશકુમારને પરત રાજસ્થાન જવાનું હોવાથી તે ભાઇનું બાઇક લઇને નરોડા પાટિયા ખાતે લકઝરીની ટિકિટ લેવા માટે ગયા હતા. નરોટા પાટિયા ખાતે આવેલ ગુરુકૃપા ટ્રાવેલ્સની ઓફિસ આગળ બાઇક ઊભું રાખીને સાંઇબાબા ટ્રાવેલ્સની ઓફિસમાં ટિકિટ બુક કરાવવા માટે ગયા હતા. દરમિયાનમાં ટ્રાવેલ્સની દુકાન આગળ એક યુવક બોલાચાલી કરતો હતો જેમાં મૂકેશકુમારે તેની સામે જોયું હતું.

તું શું જુએ છે તેમ કહીને યુવકે મૂકેશકુમારને લોખંડનું સાધન માર્યું હતું ત્યારબાદ યુવકે પથ્થર લઇને મૂકેશકુમારને મારવા માટે દોડ્યો હતો. મૂકેશકુમાર દોડતા દોડતા ગુરુકૃપા ટ્રાવેલ્સની ઓફિસમાં ધૂસી ગયા હતા. જ્યાં ઉશ્કેરાયેલો યુવક તેના બે મિત્રોને લઇને ધૂસી ગયો હતો અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યો હતો. મૂકેશકુમારનું માથું દબાવીને ત્રણેય યુવકોએ ગડદાપાટુનો માર માર્યો હતો અને તેમની 50 હજાર રૂપિયાની સોનાની ચેઇન લૂંટીને ફરાર થઇ ગયા હતા. મૂકેશકુમારે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. જેમાં નરોડા પોલીસે ઘટનાની ગંભીરતા લઇને ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને અંતે ત્રણ યુવકો વિરુદ્ધમાં લુંટની ફરિયાદ દાખલ કરી હતી.

You might also like