રાજસ્થાન રોયલ્સને નવું નામ, પંજાબ કિંગ્સને નવું હોમગ્રાઉન્ડ જોઈએ છે

નવી દિલ્હીઃ આઇપીએલની દસમી સિઝન પૂરી થયા બાદથી જ ચાહકો આગામી સિઝનની રાહ જોઈ રહ્યા છે. આનું સૌથી મોટું કારણ એ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની વાપસી. બીસીસીઆઇ દ્વારા આ બંને ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જે આ વર્ષે ખતમ થઈ ગયો. જોકે બીજી સિઝન શરૂ થતા પહેલાં રાજસ્થાન રોયલ્સે બીસીસીઆઇ પાસેથી ટીમનું નામ બદલવાની મંજૂરી માગી છે. રાજસ્થાનની ટીમની માલિક જયપુર આઇપીએલ ક્રિકેટ પ્રા. લિ. પોતાનું નામ બદલવા ઇચ્છતી હોવાથી તેણે બોર્ડ સમક્ષ આ માગણી કરી છે.

બીસીસીઆઇને રાજસ્થાન રોયલ્સ ટીમની આ માગણીથી ઘણું આશ્ચર્ય થયું છે. તેને લાગે છે કે આ નાની માગણી પૂરી થતા જ ફ્રેંચાઇઝી બીસીસીઆઇ સામે કોઈ મોટી દરખાસ્ત કરશે. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું તેઓએ માગણી જરૂર કરી છે, પરંતુ નામ બદલવા માટે કોઈ કારણ બતાવ્યું નથી.

શક્ય છે કે બીસીસીઆઇ દ્વારા લગાવાયેલા પ્રતિબંધ બાદ રાજસ્થાન રોયલ્સ હવે એક નવા નામ સાથે નવી સિઝન શરૂ કરવા ઇચ્છતી હોય. એક તરફ રાજસ્થાન ટીમ પોતાનું નામ બદલવા ઇચ્છે છે, તો બીજી તરફ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે પોતાનું હોમગ્રાઉન્ડ બદલવાનો નિર્ણય કર્યો છે.

પંજાબ આઇપીએલની એવી પહેલી ટીમ છે, જેણે બીસીસીઆઇ પાસેથી પોતાનું હોમગ્રાઉન્ડ બદલવાની માગણી કરી હોય. ફ્રેંચાઈઝી માલિકોનું કહેવું છે કે તેમને પંજાબ ક્રિકેટ એસોસિયેશન તરફથી કોઈ ખાસ મદદ મળતી નથી, સાથે જ મોહાલીમાં તેની ટીમના પ્રશંસકોની સંખ્યા ઓછી હોવાને કારણે તેમના નફા પર પણ અસર પડે છે.

કિંગ્સ ઈલેવન પંજાબની ફ્રેંચાઇઝીએ એવું પણ કહ્યું છે કે મોહાલીના સ્થાન પુણે અથવા ઇન્દોરમાં ઘરેલુ મેચ રમવાથી તેમને વધુ નફો મળે છે. નવા હોમગ્રાઉન્ડ માટે પંજાબ ટીમના માલિકોની પહેલી પસંદ ઇન્દોર છે. આ મુદ્દો સીઓએ સાથેની બેઠકમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ સમિતિએ આગામી આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આ અંગે ચર્ચા કરવાનો નિર્ણય કર્યો હતો. આઇપીએલની પહેલી સિઝનથી મોહાલી જ પંજાબનું હોમગ્રાઉન્ડ રહ્યું છે. આ સ્થિતિમાં નવું હોમગ્રાઉન્ડ પસંદ કરવાથી ટીમે વધુ નાણાં ચૂકવવા પડી શકે છે.

You might also like