મનમોહનને આઠ ગાળો આપનાર રાજસ્થાનના પ્રધાને માફી માગી

ચુરુ (રાજસ્થાન): રાજસ્થાનના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાએ ચુરુમાં પક્ષના કાર્યકરોના એક કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ માટે વાંધાજનક અપશબ્દોનો પ્રયોગ કરતા વિવાદ વિવાદ છેડાયો છે.
તેમણે આ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ માટે પોતાના ૩૨ મિનિટના ભાષણમાં કુલ આઠ વખત ગાળનો ઉપયોગ કર્યો છે. મનમોહનસિંહ અમેરિકા જતા હતા તો સામે લેવા ગમે તે પ્રધાન આવતા હતા અને હવે જ્યારે મોદી અમેરિકા જાય છે ત્યારે રાષ્ટ્રપ્રમુખ ઓબામા તેમને લેવા આવે છે. આ વીડિયો અપલોડ થયા બાદ ગુલાબચંદ કટારિયાએ ટ્વિટર પર ખેદ વ્યક્ત કર્યો હતો.
ગુલાચંદ કટારિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન મનમોહનસિંહ વિરુદ્ધ મેં ભાષણમાં કોઈ દુર્ભાવના પૂર્વક વાત કરી નથી. કોઈને ખરાબ લાગ્યું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું. કટારિયાએ મનમોહનસિંહના કાર્યકાળને સૌથી નિમ્ન કક્ષાનો કાર્યકાળ ગણાવીને જણાવ્યું હતું તેમના કાર્યકાળમાં કોઈ નેતા ઘાસ ખાઈને તો કોઈ નેતા કોલસા ખાઈને જેલ ભેગા થયા હતા. મનમોહનસિંહે દેશને ગોટાળા મય બનાવી દીધો હતો.
કટારિયાએ કોંગ્રેસ નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હિન્દુસ્તાનને બરબાદ કરનારી કોઈ ફોજ હોય તો આ નેતાઓની છે. કટારિયાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે ભારત સરકારે ૧૫ લાખ નોકરીઓનું વચન આપ્યું હતું, પરંતુ તેમને એ ખબર નથી કે સરકારે અઢી વર્ષમાં કેટલા લાખ લોકોને નોકરી આપી છે. પાયલટ ૫૫ વર્ષના કોંગ્રેસના કામોનો રેકોર્ડ લાવે અને હું ભાજપના પાંચ વર્ષના કાર્યકાળમાં તેમને પછડાટ આપીશ.

You might also like