રાજસ્થાનથી કારમાં દારૂ લાવતા ચાર શખસ શાહીબાગમાં ઝડપાયા

અમદાવાદ: રાજસ્થાનથી અમદાવાદ કારમાં લવાયેલા દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓની પીસીબીએ ધરપકડ કરી છે. પોલીસે રૂ.૯૫,૦૦૦નો દારૂનો જથ્થો, રાજસ્થાનની નંબર પ્લેટ, પાંચ મોબાઈલ ફોન, કાર સહિત રૂ.૨.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બે આરોપીઓ વોન્ટેડ છે.

રાજસ્થાનની નંબર પ્લેટ મળી આવતા આરોપીઓએ ગુજરાતમાં આવી નંબર પ્લેટ બદલી હોવાની શક્યતા પોલીસને વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરના તાબા હેઠળ આવતી પીસીબી સ્કોડના ડીવાયએસપી એમ.કે. રાણા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક ઈન્ડિકા કારમાં દારૂનો જથ્થો શાહીબાગ આવી રહ્યો છે. જેના આધારે પીસીબીની ટીમે જૈન સોસાયટી નજીક વોચ ગોઠવી હતી.

ગુજરાત પાસિંગની એક ઈન્ડિકા કાર આવતાં પોલીસે તેને રોકી હતી. પોલીસે કારમાં તપાસ કરતાં ૨૨૧ દારૂની બોટલ કિંમત રૂ.૯૫,૦૦૦ની મળી આવી હતી. પોલીસને રાજસ્થાનની એક નંબર પ્લેટ પણ મળી હતી. કારમાં બેઠેલા ત્રણ શખસની પૂછપરછ કરતાં તેમના નામ રામસિંહ શંભુસિંહ રાજપૂત (રહે. અદવાસ, ઉદયપુર, રાજસ્થાન), નાથુ નારણદાસ કલાલ (રહે. અદવાસ, રાજસ્થાન) મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સિસોદિયા (રહે. અદકલિયા, ઉદયપુર, રાજસ્થાન) અને ખુમાનસિંહ ભેરુસિંંહ સિસોદિયા (રહે. અદવાસ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓની પૂછપરછ કરતાં રાજસ્થાનના અદવાસ ખાતે રહેતા દેવેન્દ્રસિંહ શંભુસિંહ સિસોદિયા પાસેથી દારૂ લઈને જગદીશ પૂજારી ઉર્ફે જે.પી.ને આપવાના હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વોન્ટેડ આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like