કાળઝાળ ગરમીથી બેહાલઃ જેસલમેર બોર્ડર પર તાપમાન ૫૪ ડિગ્રી નોંધાયું

નવી દિલ્હીઃ દેશભરમાં ગરમીનો પ્રકોપ જારી છે અને સૂર્યદેવ આગ ઓકી રહ્યા છે. મંગળવારે રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાક. સરહદ પર ૫૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે દેશના ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની આસપાસનો રહ્યો હતો.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે પણ દેશમાં ૪૭ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. જોકે બંગાળના અખાતમાં ચોમાસાના આગમનથી લોકોને રાહત પણ મળી શકે છે. હવામાન વિભાગે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, યુ.પી. અને દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ રાજ્યોમાં હિટવેવની તીવ્રતા વધીને ‘હિટવેવ ટુ સિવિયર હિટવેવ’ સુધી પહોંચી શકે છે અને તેના કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ૪૭ ડિગ્રીને આંબી શકે છે. જોકે બંગાળના અખાત, આંદામાન અને નિકોબારના સમુદ્રની આસપાસ કેટલાક ભાગોમાં આગામી ૨૪ કલાકમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચવાની શક્યતા છે. જો વરસાદ થશે તો દ. ભારતમાં ગરમીથી કેટલીક રાહત મળશે.

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાક. સરહદ પર તનોટ શાહગઢ બલ્જ વિસ્તારમાં બીએસએફની ચોકીઓ પર તાપમાનનો પારો ૫૪ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે જેસલમર શહેરમાં તાપમાન ૪૭.૭ ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે રાજસ્થાનના બાડમેર અને રામગંજ મંડીમાં અનુક્રમે ૪૭.૫ અને ૪૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મહારાષ્ટ્રના અકોલામાં ૪૬.૩, વર્ધામાં ૪૬, નાગપુરમાં ૪૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના લખનૌમાં ૪૭ ડિગ્રી અને મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દિરોમાં ૪૫ ડિગ્રી, રાજસ્થાનના જયપુરમાં ૪૪ ડિગ્રીમાં હરિયાણાના હિસારમાં ૪૫.૪ ડિગ્રી અને મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં ૪૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

You might also like