ભાજપને ત્રણ તલાક આપનાર રાજસ્થાન પ્રથમ રાજ્યઃ શત્રુઘ્ન

મુંબઈ: રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીઓ ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. રાજ્યની લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક પર કોંગ્રેસનો પ્રચંડ વિજય થયો છે. આ પરાજય બાદ ભાજપના નેતા અને બિહારના પટના સાહિબથી લોકસભામાં ચૂંટાયેલા સાંસદ શત્રુઘ્ન સિંહાએ પોતાના જ પક્ષ ભાજપ સામે નિશાન તાક્યું છે.

તેમને ટ્વિટ કરીને જણાવ્યું છે કે ભાજપને ટ્રિપલ તલાક આપનાર રાજસ્થાન પહેલું રાજ્ય બની ગયું છે. શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે કે તમામ રેકોર્ડ તોડનાર શાસક પક્ષ ભાજપ માટે બ્રેકિંગ ન્યૂઝ. ભાજપને ત્રણ તલાક આપનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું છે. અજમેર-તલાક, અલવર-તલાક, માંડલગઢ-તલાક. અમારા વિરોધીઓનો જંગી સરસાઈ સાથે વિજય થયો છે. અમારા પક્ષને જોરદાર ફટકો પડ્યો છે.

શત્રુઘ્ન સિંહાએ બીજું ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ભાજપને હવે જાગી જવાની સલાહ છે. શત્રુઘ્ન સિંહાએ લખ્યું છે કે, “દેર આયે, દુરસ્ત આયે, અન્યથા આ વિનાશકારી પરિણામો ટાટા, બાયબાય પરિણામો પણ હોઈ શકે છે અથવા થઈ જશે. જાગ જાઓ બીજેપી, જયહિંદ”.

આ અગાઉ તાજેતરમાં યશવંત સિંહાના બિનરાજકીય પ્લેટફોર્મ રાષ્ટ્રમંચ સાથે સંકળાયેલ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે ભાજપમાં હું જાણે સાવકો પુત્ર હોઉ એવો મને અહેસાસ થઈ રહ્યો છે. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે હવે હું ખુલ્લી હવામાં શ્વાસ લેનાર આઝાદ વ્યક્તિ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે ભાજપે મને બોલવા સિવાય બીજું કોઈ કામ સોંપ્યું નથી.

You might also like