કિસાન આંદોલન રાજસ્થાનમાં પ્રસર્યુંઃ દૂધ, શાકભાજી ઢોળીને દેખાવો કર્યા

જયપુર: મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનું કિસાન આંદોલન હવે રાજસ્થાનમાં ફેલાયું છે. રાજસ્થાનમાં ખેડૂતોએ અલગ અલગ શહેરોમાં દેખાવો કરીને પોતાનો વિરોધ નોધાવ્યો છે. સિકર, અજિતગઢ અને અલવરમાં ખેડૂતોએ દૂધ અને શાકભાજી રસ્તા પર ફેંકીને વિરોધ દેખાવો કર્યા હતા. અનેક ગામોમાં બંધ પાળવામાં આવ્યો હતો. કેટલાંય સ્થળોએ ખેડૂતોની પંચાયતો અને મહાપંચાયતો યોજાઈ હતી. કિસાન સંઘર્ષ સમિતિઓ દ્વારા ઠેર ઠેર જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું કે જેથી વિરોધ દેખાવો કરી શકાય. કિસાનોની તરફેણમાં સિકરમાં ઉત્પાદકોએ નાળાંમાં દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

બીજી બાજુ મધ્ય પ્રદેશમાં મંદસૌર ખાતે પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા કિસાનોનો વિરોધ જારી છે. રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહેલા દેખાવો બંધ થવાનું નામ લેતા નથી. કોંગ્રેસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનાં પૂતળાં સળગાવીને વિરોધ કર્યો હતો, જ્યારે ખેડૂત નેતાઓએ અચલેશ્વર મંદિરની બહાર ખેડૂતો માટે પ્રજા પાસેથી ભીખ માગીને સરકારની ટીકા કરી હતી.

કોંગ્રેસ નેતાઓ મંદસૌર જવા અને ભોપાલમાં શરૂ થઈ રહેલા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સત્યાગ્રહમાં સામેલ થવા આજે રાત્રે જવા રવાના થશે. આ ઉપરાંત ડાબેરી પક્ષો દ્વારા આજે જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે. બે િદવસ પછી પૂર્વ ધારાસભ્ય વ્રજેન્દ્ર તિવારી શહેરમાં રેલી યોજીને કલેક્ટર કચેરી પર ખેડૂતો સાથે ધરણાં કરશે અને ૨૦ જૂનથી કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવશે.

આજે કોંગ્રેસ કાર્યાલય પર એક બેઠક રાખવામાં આવી છે જેમાં ૧૪ જૂનથી ભોપાલ ખાતે શરૂ થતા કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સત્યાગ્રહમાં કેટલા લોકો જોડાશે તે નક્કી કરવામાં આવશે. બીજી બાજુ રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોએ ડેરીમાં દૂધ આપવાનો બહિષ્કાર કર્યો છે તથા સડક પર દૂધ વહેવડાવી દીધું હતું.

http://sambhaavnews.com/

You might also like