રાજસ્થાનને આજે ચેન્નઈ સામે રોયલ પ્રદર્શન કરવાનો પડકાર

સતત ઝઝૂમી રહેલી રાજસ્થાન રોયલ્સ (આરઆર)ની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ.)માં ટોચની ગણાતી ચેન્નઈ સુપર કિંગ્સ સામે આજ અહીં રમાનારી મેચમાં પોતાના સંગ્રામને વિજયના માર્ગે લાવવાનો મરણિયો પ્રયાસ કરશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈને હરાવવા માટે સતત સંઘર્ષ કરી રહેલી રાજસ્થાનની ટીમે આજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં જોરદાર પ્રદર્શન કર્યા વિના છૂટકો નથી. રાજસ્થાને તેની પાંચ મેચમાંથી એક માત્ર જીત મેળવી છે અને તે જીત પણ સાવ કંગાળ પ્રદર્શન કરી રહેલી બેંગલોર સામે મળી હોવાથી આજની મેચ મોટો પડકાર બની રહેશે તે નક્કી છે.

આંકડાઓ પર એક નજર કરીએ તો અજિંક્ય રહાણેની આગેવાનીવાળી રાજસ્થાનની ટીમે પ્લે-ઓફમાં પહોંચવા માટે હવે લગભગ તમામ મેચ જીતવી પડે તેમ છે. જો પ્રદર્શનમાં સહેજ પણ ક્ષતિ રહી જશે તો પછી રાજસ્થાને આઈપીએલની અન્ય ટીમની જીત અને હારના સમીકરણ અને આંકડા પર આધાર રાખવો પડશે અને તે મોટા ભાગે ટીમની વિરુદ્ધમાં જ હશે.

બોલ ટેમ્પરિંગ કૌભાંડમાં નામોશી ઝેલી ચૂકેલા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટિવન સ્મિથે કલકત્તા સામેની મેચમાં ૫૯ બોલમાં નોટઆઉટ ૭૩ રન ફટકાર્યા હતા અને શાનદાર કમબેક કર્યું હતું. રાજસ્થાનની ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે ઉપરાંત રાહુલ ત્રિપાઠી અને બેન સ્ટોક્સ પણ હજુ સુધી તેમની પ્રતિષ્ઠાને ન્યાય આપે તેવું પ્રદર્શન કરી શક્યા નથી. રાજસ્થાન ટીમની બોલિંગમાં પણ કોઈ ખાસ દમ જોવા મળ્યો નથી. બેન સ્ટોક્સ, જયદેવ ઉનડકટ અને ધવલ કુલકર્ણીએ ધોનીના ધુરંધરોને અંકુશમાં રાખના પરફેક્ટ લાઈન અને લેન્થની બોલિંગ કરવી પડશે.

રાજસ્થાનના કેપ્ટન રહાણેએ જણાવ્યું હતું કે, અમે ફક્ત એક મેચ ખરાબ કહી શકાય એ રીતે હાર્યા છીએ. છેલ્લી ચાર મેચમાં અમારી ટીમના તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હજુ પણ અમે બધી મેચ જીતીને પ્લે-ઓફમાં સ્થાન મેળવી શકીએ તેમ છીએ.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પીચ ધીમી અને નીચી રહેતી હોય છે. ચેન્નઈ અને રાજસ્થાન બંને ટીમના બેટ્સમેન માટે રન બનાવવા સરળ નહીં હોય. ચેન્નઈના બેટ્સમેન શાનદાર ફોર્મમાં છે. ખાસ કરીને ઓપનર શેન વોટસન અને ફેફ ડુ પ્લેસિસ રાજસ્થાનના બોલર્સને પરેશાન કરી શકે તેમ છે.

આઠ ટીમની વર્તમાન સ્પર્ધામાં રાજસ્થાનની ટીમ તેની પાંચ મેચમાંથી ફક્ત એક વિજય પ્રાપ્ત કરવા સાથે છેલ્લેથી હાલ બીજા સ્થાને છે. રાજસ્થાનની એક માત્ર સફળતા રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે હાંસલ થઈ હતી અને આગામી મેચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન સુપર કિંગ્સને પછાડવા તેને પોતાના ઘરઆંગણે રમવાનો લાભ રહેશે.

બીજી તરફ, ચેન્નઈની ટીમે તેની છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને પરાજય આપ્યો હતો અને પોતાની છ મેચમાંથી પાંચ વિજય સાથે તે પોઈન્ટ-ટેબલ પર મોખરાનું સ્થાન ધરાવે છે.

મહેન્દ્રસિંહ ધોનીના કાબેલ નેતૃત્વ હેઠળ સુપર કિંગ્સની ટીમ એકદમ સમતોલ જણાઇ રહી છે જે કોઈપણ પ્રકારની પીચ અને કોઈપણ સ્થિતિમાં સારો દેખાવ કરવા કાબેલ છે. રાજસ્થાને સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવા પોતાની આશા જીવંત રાખવા માટે હવે તેની બાકીની બધી મેચ જીતવાની રહે છે.

You might also like