AMTSનો અજીબ વહીવટઃ અડધું પાલડી ટર્મિનસ રાજસ્થાન એસટીને હવાલે

અમદાવાદ, સોમવાર
એક સમયે દેશભરમાં ‘લાલ બસ’ તરીકે મશહૂર એએમટીએસની સતત કથળતી જતી પ્રતિષ્ઠાના માટે ખુદ આ સંસ્થાનો ઊંધો વહીવટ જવાબદાર છે. ઉતારુલક્ષી બસ દોડાવવાના બદલે અગાઉના કેટલાક ચેરમેનોએ બિલ્ડરોની નવી-નવી સ્કીમને પ્રોત્સાહિત કરવા જંગી ખોટ સહન કરીને પણ તેવાં અર્થહીન સ્થળોને સાંકળતી બસ સેવા શરૂ કરી હતી. શહેરીજનોને બસ સમયસર મળે નહીં અને છેક સાણંદથી પણ દૂર દૂરનાં ગામ સુધી બસ દોડાવાઇ રહી છે.

નઘરોળ તંત્રના મગજ વગરના આયોજનના કારણે આજે છ-સાત મહિનાથી પાલડી બસ ટર્મિનસ ઉતારુઓના બદલે રાજસ્થાન એસટીને હવાલે કરી દેવાયું છે.આમ તો લાંબા સમય સુધી જર્જરિત પાલડી ટર્મિનસ પ્રત્યે સત્તાધીશોએ ઉપેક્ષા દાખવી હતી, પરંતુ ઉતારુઓના જાનમાલ માટે આ ટર્મિનસ જોખમી બનતાં લોકો વિફર્યા હતા અને તંત્રે દોઢ કરોડના ખર્ચે પાલડી ટર્મિનસને નવેસરથી જૂની ડિઝાઇન મુજબ બનાવ્યું હતું, પરંતુ ટર્મિનસના રંગરોગાન સહિતનાં કેટલાંક કામ અધૂરાં હોવા છતાં જશ ખાટવા માટે સત્તાધીશોએ ગત તા.ર૩ ઓગસ્ટ, ર૦૧૭એ તેનું પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના હસ્તે ઉતાવળે લોકાર્પણ કરી દેવાયું હતું.

શહેરના રાજમાર્ગ ગણાતા આશ્રમરોડ પર નવુંનક્કોર પાલડી ટર્મિનસ લોકાર્પણના દશ-પંદર દિવસે ઉતારુઓને ઉપયોગી બન્યું હતું, પરંતુ તેમાં આઘાતજનક બાબત એ બની છે કે તે દિવસથી આજ‌િદન સુધી આ ટર્મિનસનો ફક્ત લાલદરવાજા કે ચાંદખેડા જેવા ‘અપસ્ટ્રીમ’ વિસ્તારમાં જવા સારું બસ ટર્મિનસની અંદર થઇને જાય છે, પરંતુ સરખેજ, વાસણા, જુહાપુરા, વેજલપુર, બુટભવાની મંદિર, માધવનગર (સાણંદ), બાકરોલ, કા‌િસન્દ્રા, મટોડા પાટિયા વગેરે વિસ્તારના હજારો નાગરિકોને આશ્રમરોડના ભરચક ટ્રાફિક અને એસટીના સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જવાના ‌િપકઅપ સ્ટેન્ડની ગરદી સહન કરીને ટર્મિનસની સામેની બાજુએ આશ્રમરોડ પરથી બસ પકડવી પડે છે, કેમ કે ટર્મિનસની ‘ડાઉનસ્ટ્રીમ’ બસની જગ્યાનો કબજો સત્તાધીશોએ રાજસ્થાન એસટી નિગમને સોંપી દીધો છે!

રાજસ્થાન એસટી નિગમની ચોવીસ કલાક ધમધમતી ઓફિસ માટે તંત્રે ટર્મિનસના કંટ્રોલ કેબિનમાં ખાસ જગ્યા ફાળવી છે. જ્યાં રાજસ્થાન એસટી નિગમના બેનર લગાવીને બુ‌િકંગ થઇ રહ્યું છે. સરખેજ, વાસણા વગેરે વિસ્તારના હજારો ઉતારુઓને આશ્રમરોડ પર એક સામાન્ય સ્ટેન્ડ પોલ નીચે રસ્તે રઝળતા કરી દીધા બાદ પણ એએમટીએસની તિજોરીને દરરોજની એક હજાર રૂપિયાની ભાડાની આવક પણ થતી નથી.

આ અંગે શાસકોને પૂછતાં તેઓ રાજ્ય સરકારની સૂચનાના આધારે રાજસ્થાન એસટી નિગમ સાથે ‘વાડકી વ્યવહાર’ કરાયો તેવો લૂલો બચાવ કરતાં કહે છે, નજીકના સીએનજી સ્ટેશનના કારણે છાશવારે થતા અકસ્માત રોકવા ટ્રાફિક વિભાગે સળંગ રોડ ડિવાઇડર કરી દેતાં લાલદરવાજાથી વાસણા જતી બસ ટર્મિનસની અંદર જઇ શકતી નથી. આ માટે ટ્રાફિક વિભાગ પણ જવાબદાર છે!

You might also like