રાજસ્થાન બોર્ડરથી રિક્ષામાં દારૂ લઈ આવ્યો…!

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો અમલમાં લવાતાં પોલીસ દ્વારા બુટલેગરો પર સતત વોચ રાખવામાં આવે છે. મોટા ભાગે દારૂ લાવવા માટે રાજસ્થાન બોર્ડરથી કાર અથવા ટ્રકનો ઉપયોગ કરાય છે. પરંતુ હવે બુટલેગરો રિક્ષાનો ઉપયોગ કરતા થયા છે. સરદારનગરના બુટલેગર મનોજ સિંધી દ્વારા રાજસ્થાન બોર્ડર પરથી મંગાવાયેલા દારૂ-બિયરના જથ્થા સાથે એક શખસની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે નાના ચિલોડા સરદાર પટેલ રિંગરોડ પરથી એક શખસ રાજસ્થાનથી રિક્ષામાં દારૂનો જથ્થો ભરીને આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે ગોચ ગોઠવી ‌િરક્ષા આવતાં તેને રોકી તપાસ કરતાં પેસેન્જર સીટની પાછળ સ્પીકર લગાવવાની જગ્યામાંથી ૭ર બિયર અને ૭ર દારૂની બોટલો મળી આવી હતી.

દારૂ લઇને આવનાર યુવકની પૂછપરછ કરાતાં તેનું નામ દેવીદાસ પાનચંદ સિંધી (ઉ.વ. પ૯, રહે. બી વોર્ડ, સરદારનગર રેલવે સ્ટેશન પાસે, કુબેરનગર) હોવાનું જણાવ્યું હતું. દારૂના જથ્થા બાબતે પૂછપરછ કરાતાં કુબેરનગર સીંગલની ચાલીમાં રહેતી મનોજ સીંધી નામની વ્યક્તિના નોકરે રાજસ્થાન બોર્ડર પરથી આ દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો અને અમદાવાદ રિક્ષામાં લાવવાનું કહ્યું હતું. ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like