રાજસ્થાનની દારૂગોળાની ફેકટરીમાં બ્લાસ્ટ થતાં ચાર વ્યકિતનાં મોત

કોટા: રાજસ્થાનના રાવતભાટાના શ્રીપુરા ગામની એક દારૂગોળાની ફેકટરીમાં ગઈ કાલે એકાએક પ્રચંડ વિસ્ફોટ થતાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જતાં ચાર વ્યકિતનાં મોત થયાં છે. ઓટોમેટિક પાવર સ્ટેશન નજીક આ વિસ્ફોટ થતાં તેનો અવાજ 20 કિમી સુધી સંભળાયો હતો. આ ફેકટરીમાં પાંચ વર્ષ પહેલાં પણ આવો પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ત્યારે બે લોકોનાં મોત થયાં હતાં.

આ ઘટના ગઈ કાલે સાંજે 4-45 કલાકે બની હતી. જેમાં પ્રચંડ વિસ્ફોટ થતાં ત્રણ માળની બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ ધડાકાથી ફેકટરીનો કાટમાળ રીતસર ઊડતો જોવા મળ્યો હતો. આ વિસ્ફોટના કારણે ફેકટરી બહાર ઊભેલા મેનેજરના ડ્રાઈવર અને બિલ્ડિંગમાં રહેલા અન્ય ત્રણ લોકોના શરીરના ભાગ દૂર સુધી ઊડતા જોવા મળ્યા હતા.આ ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં મનોજ જૈન, (રાવતભાટા), કિશોર(ધૌલપુર), કમલ(ચંદેરિયા) અને મહેશ(ધૌલપુર)નો સમાવેશ થાય છે. આ તમામની ઉમર 15 થી 20 વર્ષની છે.

આ ફેકટરીમાં ધડાકો થતાં જ નજીકની બીજી ફેકટરીમાં કામ કરતા 350 કર્મચારી તેમનો જીવ બચાવી ભાગી છૂટયા હતા. આ ધડાકાથી જમીનમાં 30 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. આ ફેકટરીમાં સુકો દારૂગોળો, વિસ્ફોટક તેમજ કેમિકલ વિસ્ફોટક બનાવવામાં આવે છે.

You might also like