છોટા રાજન પછી વધુ એક ‘ડોન’ ભારત આવવા તૈયાર

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ધરપકડ બાદ વધુ એક ‘ડોન’ ભારત આવવા માગે છે પરંતુ પોતાને પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખશે તેવો તેને ડર છે. તેનું નામ ‘શ્રીધર ડોન’ છે, જે તમિળનાડુમાં મોસ્ટ વોન્ટેડ છે. રાજ્યની પોલીસ તેને ‘તમિળનાડુનો દાઉદ ઈબ્રાહિમ’ કહે છે.તે દુબઈમાં રહીને ઓછામાં ઓછા ૫૦૦ કરોડ રૃપિયાનો રિયલ એસ્ટેટનો કારોબાર ચલાવે છે. એક અખબાર મુજબ તેની સામે લગભગ ૩૪ કેસો નોંધાયેલા છે, જેમાંથી ૭ કેસ હત્યાના છે.

તેનું આખું નામ શ્રીધર ધનાપલન છે. તેણે એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તે ભારત પરત આવવા તૈયાર છે અને પોતાની સામેના કેસોનો સામનો કરવા માગે છે. ૪૩ વર્ષના શ્રીધરને એવો ડર છે કે તે જાતે ભારત પાછો આવશે તો તમિળનાડુની પોલીસ તેને એન્કાઉન્ટરમાં મારી નાખે તેવું બની શકે. શ્રીધરે જણાવ્યું હતું કે તેના વિઝા ૨૦૧૭માં પૂરા થાય છે.

તેણે કહ્યું કે તમિળનાડુના ડીજીપી અથવા એક સારા આઈપીએસ અધિકારી તેને આવતીકાલે આવવાનું કહે અને નિષ્પક્ષ સુનાવણીની ખાતરી આપે તો તે પોતાની સામેના તમામ કેસોનો નિકાલ કરાવીને ખુશ થશે. તેણે કહ્યું હતું કે તે એન્કાઉન્ટરમાં મરવા માંગતો નથી. ભારત પાછા ફરવા અંગે હજુ સુધી તેણે કોઈ નિર્ણય લીધો નથી.

You might also like