રાજમોતી મિલના માલિક સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાશે

અમદાવાદ: સૌરાષ્ટ્રની રાજમોતી ઓઈલ મિલના અમદાવાદના મેનેજરની હત્યાના કેસમાં આરોપી મિલમાલિક સમીર શાહ સામે પોલીસ ટૂંક સમયમાં લૂકઆઉટ નોટિસ જાહેર કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાવ બાદ આરોપી સમીર શાહ ફરાર છે. તેને પકડવા પોલીસે ગઇ કાલે ઓઇલ મિલમાં પણ છાપા માર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન પોલીસને મૃતક દિનેશ દક્ષિણીનો મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજમોતી મિલના અમદાવાદના મેનેજર દિનેશ દક્ષિણીને લાખો રૂપિયાના હિસાબના ગોટાળા બાબતે મિલ માલિક સમીર શાહ અને મેનેજર સમીર ગાંધી અમદાવાદ આવી અને રાજકોટ ખાતે તેમની મિલમાં લઇ ગયા હતા. ત્યાં બે દિવસ સુધી તેઓને ગોંધી રાખી મિલ માલિક દ્વારા માર મારવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેઓને બાદમાં બેડીપરા પોલીસચોકી ખાતે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં પીએસઆઇ મારુ અને એએસઆઇ યોગેશ ભટ્ટ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું.

રાજકોટ પોલીસે મેનેજર સમીર ગાંધીની આ કેસમાં ધરપકડ કરી અમદાવાદ ખાતે દિનેશ દક્ષિણીના રહેઠાણ અવધ રેસિડેન્સી ખાતે લાવ્યા હતા, જ્યાં સિક્યોરિટી ગાર્ડે સમીર ગાંધીનો ઓળખી બતાવ્યો હતો. તદુપરાંત ફરાર આરોપી યોગેશ ભટ્ટને પણ ઝડપવા માટે એએસઆઇ યોગેશ ભટ્ટના ઘરે પણ પોલીસે તપાસ શરૂ કરી હતી. બનાવને લઇ પોલીસે હાલમાં ફરાર મિલમાલિક સમીર ગાંધીને ઝડપવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડશે તેમ સૂત્રો ઉમેર્યું હતું.

You might also like