રાજ બબ્બર ફતેહપુર સિકરીથી ચૂંટણી લડશે : સંબિત પાત્રા પુરીથી મેદાનમાં

(એજન્સી) નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ગઈ કાલે રાતે જારી કરાયેલી સાતમી યાદીમાં ૩૫ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. ભાજપે પણ તેની ત્રીજી યાદીમાં ૩૬ ઉમેદવારનાં નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ અત્યાર સુધીમાં ૧૮૧, જ્યારે ભાજપ ૨૨૦ લોકસભા બેઠકનાં ઉમેદવારનાં નામ જાહેર કરી ચૂક્યો છે.

કોંગ્રેસે તેની સાતમી યાદીમાં રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સિકરી બેઠકના ઉમેદવાર બનાવ્યા છે. હવે મુરાદાબાદ બેઠક પરથી શાયર ઈમરાન પ્રતાપગઢી ચૂંટણી લડશે. જ્યારે રેણુકા ચૌધરીને તેલંગાણાની ખમ્મમથી ઉમેદવાર જાહેર કરાયાં છે. બિજનૌર બેઠક પરથી ઈન્દ્રા ભટ્ટીના સ્થાને નસીમુદ્દીન સિદ્દિકીને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પૂર્વ કેન્દ્રિય પ્રધાન કરણસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી ટિકિટ આપી છે.

ઉલ્લેખનીય છે કે, ફતેહપુર સિકરીમાં રાજ બબ્બર સામે ભાજપના રાજકુમાર ચહલ મેદાનમાં છે. બીજી તરફ ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાની પુરી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપને આ વખતની લોકસભા ચૂંટણીમાં ઓડિશા પર મોટો દારોમદાર છે અને આથી જ મજબૂત ઉમેદવાર ગણાતા સંબિત પાત્રાને પસંદ કરવામાં આવ્યા છે.

પાત્રા એમબીબીએસ ફિઝિશિયન છે અને તેઓ ઓડિશાની ઉત્કલ યુનિવર્સિટીમાંથી સર્જરીમાં માસ્ટર્સ પણ કરી ચૂક્યા છે. ૨૦૦૩માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમણે દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી. ૨૦૧૨માં દિલ્હીના કાશ્મીરી ગેટથી તેઓ એમસીડીની ચૂંટણી લડ્યા, પરંતુ હારી ગયા હતા. ૨૦૧૦માં સંબિત પાત્રાને દિલ્હી ભાજપના પ્રવક્તા બનાવવામાં આવ્યા અને ૨૦૧૪માં તેમને પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી. ગિરીશ બાપટ પુણેથી ચૂંટણી લડશે.

કોંગ્રેસની સાતમી યાદીમાં છત્તીસગઢની ચાર, જમ્મુ-કાશ્મીરની ત્રણ (શ્રીનગર સીટ નેશનલ કોન્ફરન્સ માટે છોડી), મહારાષ્ટ્રની પાંચ, ઓડિશાની બે, તામિલનાડુની આઠ, તેલંગાણાની એક, ત્રિપુરાની બે, ઉત્તરપ્રદેશની નવ અને પુડ્ડુચેરીની એક બેઠકના ઉમેદવારના નામનો સમાવેશ થાય છે.

ભાજપે ત્રીજી યાદીમાં જે ૩૬ ઉમેદવારનાં નામ જારી કર્યાં છે, તેમાં ૨૩ ઉમેદવાર આંધ્રપ્રદેશના છે, જ્યાં પહેલા તબક્કામાં ૧૧ એપ્રિલે મતદાન થવાનું છે.  ભાજપે આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ૫૧, ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ૨૨ અને મેઘાલયમાં સેલસેલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે એક ઉમેદવારનું નામ નક્કી કરી દીધું છે. કોંગ્રેસે પણ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ૫૪ નામની યાદી જારી કરી છે.

ભાજપ આજે ચોથી યાદી જાહેર કરે તેવી શક્યતા
ભાજપ આજે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં ઝારખંડ, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, હરિયાણા, ગોવા અને મધ્યપ્રદેશના પ૦ ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિહારમાં એનડીએ ૪૦ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

પટનાસાહેબ સીટ પરથી કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદના નામની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આગામી બેઠક રપ માર્ચના રોજ મળનાર છે ત્યારે આજે વધુ એક યાદી જાહેર થઇ શકે છે. આ યાદીમાં કેટલાક દિગ્ગજ નેતાઓના પત્તા કપાવાની પણ શક્યતા રહેલી છે.

You might also like