નવસારીમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, વાડીયા શિપયાર્ડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

નવસારી જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નવસારીની કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેના કારણે  ડેસરા સહિતના ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે. ડેસરા ગામમાં 13 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેને NDRF અને સ્થાનિક લોકોની મદદ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું.

જ્યારે કલમઠા ગામમાં પણ મોડી રાત્રે પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા. અહીં 20 જેટલો લોકો ફસાયા હતા. જેમણે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લામાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત્ છે. જિલ્લાની મુખ્ય નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે.

નવસારી જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો છે. નવસારીની અંબિકા નદી ભયનજક સપાટીએ વહી રહી છે, ત્યારે વાડીયા શિપયાર્ડ઼ વિસ્તારમાં અંબિકા નદીના પાણી વહી રહ્યાં છે. અહીં છેલ્લા એક સપ્તાહથી લોકોના ઘરમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યા છે.

લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકો જીવ જોખમમાં મુકીને ઘરવખરી સાચવવા માટે ઘર છોડીને નથી જઈ રહ્યા. જ્યારે વાડીયા શિપયાર્ડની બાજુમાંથી જ અંબિકા નદી વહી રહી છે, ત્યારે લોકોને તણાઈ જવાનો પણ ભય રહેલો છે.

તેમ છતાં લોકો અહીં જીવન ગુજારી રહ્યા. હજુ સુધી તંત્ર દ્વારા અહીં કોઈ જ સહાય પહોંચાડવામાં આવી નથી. કોઈ ફુડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે લોકો પણ રાહ જોઈને બેસી રહ્યા છે કે તંત્ર કયારે તેમની વહારે પહોંચે છે. ત્યારે લોકોને હવે એક જ આશા છે કે અંબિકા નદીનું જળસ્તર ઘટે અને ફરી તેમનું જીવન પાટા પર આવે.

You might also like