છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદ, દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં રાજયના 129 તાલુકાઓમાં વરસાદ પડયો છે.. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, સૌથી વધુ નવસારી,મહુવામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જલાલપોરમાં 6.5 ઇંચ,વાલોદમાં 6, વલસાડમાં 5 ઇંચ વરસાદ પડયો હતો. હાલોલ, તાલાલા, ઉમરગામમાં 4.5 ઇંચ,ચોર્યાસી,ગણદેવી,વાપી,કપરાડામાં 4 ઇંચ વરસાદ પડયો હતો.

વેરાવળ, બારડોલી, પારડી,ચીખલીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખેરગામ,વ્યારા,સુબીર,વડોદરામાં 3 ઇંચ વરસાદ અને માંગરોળ,વઘઈ,ડાંગ,ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ પડયો અને ભારે વરસાસદને પગલે નદ નાળા ડેમપ છલકાયા હતા. અમુક વિસ્તારોમાં વરસાદ ન પડતા વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવે નવસારી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવના સાથે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કલેકટર દ્વારા ભારે વરસાદને પગલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જલાલપોર અને નવસારી તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

વલસાડમાં મોડી રાતે વરસાદ વરસ્યો. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એમ.જી. રોડ, હાલર રોડ અને તિથલ રોડ પર ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા હતા અને સ્થાનિકો અટવાયા હતા. બીજી તરફ, રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર થઈ છે. જો કે, મોડી રાતે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.

ગીર સોમનાથમાં ફરી મોડી રાતે વરસાદે એન્ટ્રી મારી. છેલ્લાં ચાર કલાક દરમિયાન ગીર સોમનાથમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. તો વેરાવળમાં 2.5 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 2 ઈંચ અને કોડીનારમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પંચમહાલના બે ડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. પાનમડેમમાં હાલ 950 કયુસેક પાણીની આવક થઈ છે. હડફડેમમાં 300 કયુસેક પાણીની આવક થઇ છે. ડેમોમાં પાણીની આવક થતાં સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા જળાશયો છલકાયા હતા. ખેતીલાયક વરસાદ પડતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.

You might also like